tilDi - Lokgeeto | RekhtaGujarati

ટીલડી

tilDi

ટીલડી

ચોડી કપાળે ટીલડી રે લોલ,

સેંથે પૂર્યો છે સિંદોર રે;

છોડી પિયરને બેની હાલિયાં રે લોલ!

ઓઢી કસુંબલ બાંધણી રે લોલ,

ચંપા પટારી જડી કોર રે;

ખોળે શ્રીફળ ને બેની હાલિયાં રે લોલ!

‘હો’ કેતાં હૈયું ગળગળું રે લોલ,

હીબકે ફરકે છે હોઠ રે;

છોડી પિયરને બેની હાલિયાં રે લોલ!

માતા ને બેન છાની રાખતાં રે લોલ,

ઘેલડિયાં એવાં થવાય રે;

સૌને જાવું છે સૈયર સાસરે રે લોલ!

પાદર મોઝાર ગાડાં છુટિયાં રે લોલ,

લાડકડીને પાણીલાં પાય રે;

નેણલે નીર તો વછુટિયાં રે લોલ!

સાસુ સસરા તારા મોવડી રે લોલ,

દેરાણી જેઠાણી કેરી જોડ્ય રે;

સંપીને રે’જે મારી લાડકી રે લોલ!

દેરીડાને વીર સમો માનજે રે લોલ,

નણદી છે નાનેરૂં બાળ રે;

હરખેથી એને હુલાવજે રે લોલ!

સાસુયેં ગુણ બધા વીસર્યા રે લોલ,

નણંદ કેરો થાય ધમરોળ રે;

દેરીડો આજ મારે દો’યલો રે લોલ!

અડધી રાતેં ગોરી ઊઠિયાં રે લોલ,

ઊડો જાગોને મારા કંથ રે;

કરવી કરમની મારે વાતડી રે લોલ!

ખોટા બોલી, ને તું છે ખોલકી રે લોલ.

નાની નકટી, ને નઘરોળ રે;

નથી રે સાંભળવી તારી વાતડી રે લોલ!

કે’તો ઓળાવું તને પિયરિયે રે લોલ,

કે’તો કાઢું તને ઘરની બાર રે;

રે ઘરમાં તું અળખામણી રે લોલ!

મૈયરનાં સુખ મારે શું કામનાં રે લોલ?

સાસરામાં સળગી જાણે જાઉં રે;

ઝરઝર કરતાં બેની જળી ગયાં રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968