lumbi lyo - Lokgeeto | RekhtaGujarati

લુંબી લ્યો

lumbi lyo

લુંબી લ્યો

મારો રે સસરો સુરત શે’ર ગ્યા’તા,

નાનકડી ઘંટી લાવ્યા હો લાલ! લુંબી લ્યો.

મારી રે સાસુડી છે એવાં ભૂંડાં,

અધમણ દયણું આલે હો લાલ! લુંબી લ્યો.

મારી જેઠાણી તો એવાં ભૂંડાં,

લોટ બધો જોખી વાળે હો લાલ! લુંબી લ્યો.

મારી રે નણદી એવાં છે ભૂંડાં,

રોટલા ઘટ્યા ગણી વાળે હો લાલ! લુંબી લ્યો.

માથે ગવાળો ને હાથમાં લઈ ખાસડાં,

પિયરીએ હું તો ચાલી હો લાલ! લુંબી લ્યો.

ચોરે તે બેઠા દાદોજી બોલ્યા,

દીકરી દીવાળી ઘેર આયાં હો લાલ! લુંબી લ્યો.

ઘોડલા ખેલવતા બંધવો રે બોલ્યા,

બેની ભલે ઘેર આવ્યાં હો લાલ! લુંબી લ્યો.

ચોકમાં રહીને માતાજી બોલ્યાં,

વાતનો વિહામો આવ્યાં હો લાલ! લુંબી લ્યો.

ઓરડે રહીને ભોજાઈ બોલ્યાં,

કજીયાનાં કરનાર આવ્યાં હો લાલ! લુંબી લ્યો.

મેડીએ રહીને બિલાડો બોલ્યો,

ઢાંકણીની ઢાંકનાર આવી હો લાલ! લુંબી લ્યો.

ખડકીએ રહીને કુતરું રે બોલ્યું,

ધોકાની દેનારી આવી હો લાલ! લુંબી લ્યો.

દરમાં રહીને ઉંદરડું બોલ્યું,

લીંપનાર ગુંપનાર આવી હો લાલ! લુંબી લ્યો.

ભીંતે તે રહેતી છછુંદર બોલી,

કુંકરાની દેનારી આવી હો લાલ! લુંબી લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 264)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968