karamadDi - Lokgeeto | RekhtaGujarati

કરમદડી

karamadDi

કરમદડી

હું તો કરમદ વીંણવા ગઈ’તી રાજ કરમદડી;

મેં તો પાલી કરમદ વીણ્યાં, રાજ કરમદડી.

મેં તો ઘંટી ઉપર મેલ્યાં, રાજ કરમદડી;

ત્યાં તો નાના દેરીડે દીઠાં, રાજ કરમદડી.

મારાં પાલી કરમદ ઢોળ્યાં, રાજ કરમદડી;

બાઈજી, વારો છે કે વારું, રાજ કરમદડી.

મેં તો ઢીંકા ભેળો ઢાળ્યો, રાજ કરમદડી;

મેં તો પાટુ ભેળો પાડ્યો, રાજ કરમદડી.

મેં તો બેવડી રાશે બાંધ્યો, રાજ કરમદડી;

ત્યાં તો સાસુડી આવી દોડી, રાજ કરમદડી.

વહુ, ફાટ્ય ઘણેરી રાખો, રાજ કરમદડી;

મને બે ચાર પાટુ મારી, રાજ કરમદડી.

તારા ધણી ને તેડાવું, રાજ કરમદડી;

તને પિયરીએ વળાવું, રાજ કરમદડી.

ધણી સાંજ પડીને ઘરે આવ્યો, રાજ કરમદડી;

મારી બાઈજીએ માંડી વાત, રાજ કરમદડી;

ધણી રીસ ભરેલો દોડ્યો, રાજ કરમદડી.

મને બે ચાર ઢીંકા માર્યા, રાજ કરમડી;

મને પડખાની પાટુ મારી, રાજ કરમદડી;

મને બેવડી રાશે મારી, રાજ કરમદડી;

મને પરોણલે આગળ હાંકી, રાજ કરમદડી.

મને પિયરીએ વળાવી, રાજ કરમદડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 282)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968