kaDwan mithan - Lokgeeto | RekhtaGujarati

કડવાં-મીઠાં

kaDwan mithan

કડવાં-મીઠાં

દરાખ મીઠી રે પાંદડે,

એવા મીઠા મારા દાદાજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

કાંક્ચ કડવી રે પાંદડે,

એવા કડવા મારા સસરાજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

કેરી મીઠી રે આંબલે,

એવા મીઠા મારાં માતાજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

લીંબી કડવી રે પાંદડે,

એવા કડવા મારાં સાસુજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

લીંબી કડવી રે પાંદડે,

એવા કડવા મારાં સાસુજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

દરાખ મીઠી રે પાંદડે,

એવા મીઠા મારા વીરાજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

કાંક્ચ કડવી રે પાંદડે,

એવા કડવા મારા જેઠજીના બોલ રે;

નાવાલિયો મારો નેહે ભર્યો રે.

શેરડી મીઠી રે પાંદડે

એવા મીઠા મારાં ભાભીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

મરચી તીખી રે પાંદડે,

એવા તીખા મારાં જેઠાણીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

દરાખ મીઠી રે પાંદડે,

એવા મીઠા મારાં બેનીજીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

કાંક્ચ કડવી રે પાંદડે

એવા કડવા મારી નણદીના બોલ રે;

નાવલિયો મારો નેહે ભર્યો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 249)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968