risamnan - Lokgeeto | RekhtaGujarati

રીસામણાં

risamnan

રીસામણાં

ચાર ચાર મઈના ચોમાસું રે આવ્યું,

પ્રભુજીના ઢોલિયા નેવે ઢળાવ્યા.

નેવે ઢળાવ્યા, ને મેહુલા વરસાવ્યા,

તો મારો વા’લોજી બોલ બોલે.

બોલ બોલે ને આંખ ઊઘાડે,

કો’ મોરી સૈયરૂં, દુઃખ કોને રે કઈએ?

મહિયરિયે જઈએ, તો માતાને કઈએ,

હૈયાની વાતડી રે, બેનીને કઈએ.

બે’ની મારી વાત હૈયામાં રાખે,

પાડોશણ જાણે તો ઝગડો લગાવે.

ચાર ચાર મઈના, શિયાળો રે આવ્યો,

પ્રભુજીના ઢોલિયા, ચોકમાં ઢળાવ્યા.

ચોકમાં ઢળાવ્યા, ને વાયરા નંખાવ્યા,

તો મારો વા’લોજી બોલ બોલે.

બોલ બોલે, ને આંખ ના ઉઘાડે,

કો’ મોરી સૈયરૂં, દુઃખ કોને રે કઈએ?

મહિયરિયે જઈએ તો માતાને કઈએ,

હૈયાની વાતડી રે બેનીને કઈએ.

બે’ની મારી વાત હૈયામાં રાખે,

પાડોશણ જાણે તો ઝઘડો જગાવે.

ચાર ચાર મઈના, ઉનાળો રે આવ્યો,

પરભુજીના ઢોલિયા ઓરડે ઢળાવ્યા.

ઓરડે ઢળાવ્યા, ને અગનિ ધીકાવ્યા,

તો મારો વા’લોજી બોલ બોલે.

બોલ બોલે, ને આંખ ના ઉઘાડે,

કો’ મારી સૈયરૂં, દુઃખ કોને રે કઈએ?

મહિયરિને જઈએ તો માતાને કઈએ,

હૈયાની વાતડી રે બે’નીને કઈએ.

બે’ની મારી વાત હૈયામાં રાખે,

પડોશણ જાણે તો ઝઘડો જગાવે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968