ghughranan ramnaran - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘૂઘરાનાં રમનારાં

ghughranan ramnaran

ઘૂઘરાનાં રમનારાં

[ફરતાં ફરતાં ગાવાનો ત્રણ તાળીના રાસડો]

ભાદર નદિયું આવેલાં ભરપૂર જો,

ચારે તે કાંઠે રે માતા મોરી છલી વળ્યાં રે લોલ.

ભાઈ ભોળીડા નદી ઉતારી મેલ્ય જો,

તુજને હું આલું રે પગનું ઝાંઝર રે લોલ.

તારું ઝાંઝર તારે પાહોલીએ છવરાવ્ય જો,

તુજને હું ઉતારું રે બાઈ તારે બોલડે રે લોલ.

ભાઈ ભોળીડા મોઢું સંભાળી બોલ્ય જો,

સામે ને કાંઠડીએ સાયબો સાંભળે રે લોલ.

સાંભળશે તો મુજને દેશે ગાળ્ય જો,

તમારી સાથે ને લેશે રુસણાં રે લોલ.

બાર બાર વરસે આવ્યો ગોરીનો પરણ્યો જો,

ખડિયામાં લાવ્યો રે રંગત ઘૂઘરા રે લોલ.

ઘૂઘરલે કોણ રમશે સાથી મારા જો,

છોરુડાં વન્યાનાં ઘૂઘરે કોણ રમે રે લોલ.

વાયા તે વાયા ઓતર દખ્ખણના વાય જો,

ને રે વાહોલીએ છોરુ રે જણ્યાં રે લોલ.

હીમજી ખીમજી ઘોડલડે અસવાર જો,

પાતળીઆ પરસોતમ પોઢ્યા પારણે રે લોલ.

રામબાઈ સામબાઈ પાણીડાંની હાર્ય જો,

નાનેરાં ઢબુભાઈ રમે ઢીંગલે રે લોલ.

ગોરી મોરી રુસરણાં શે ભાંગે જો!

રુસરણાં ભાંગે રે ખારેક ટોપરે રે લોલ.

ખારેક ખાય તો ખટકે ગોરીની દાઢ જો,

ટોપરડાં જો ખાય તો ગોરીને ડૂચા વળે રે લોલ.

લવિંગ ખાય તો દાઝે ગોરીની જીભ જો,

એલલચડી ચાવે તો ગોરીને મીણો ચડે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ‘રઢિયાળી રાત’ ભા. ૧ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : અમૃતલાલ દલપતભાઈ શેઠ
  • વર્ષ : 1926
  • આવૃત્તિ : 2