shawal - Lokgeeto | RekhtaGujarati

શાવળ

shawal

શાવળ

વિરમગામના વડલા હેઠ;

પાંદે પાંદે દીવા બળે;

ડાળે ડાળે જોગણીઓ.

ઊગમણા રથ આવે જગા;

કાળકા બેસી આવે જગા;

પાડા તણી અસવારી જગા.

ચમ્મર ઢોળે દેવી ચામુંડા;

હાકો વાગે દેવી હેંગળાજની;

કાળ ભૈરવને લોવ જગા.

પાવાના ગઢ઼માં હાલણ-વીલણ;

વાદીડાઓ આવ્યા જગા;

વાદીડે વાદ લીધો જગા.

સોના રૂપાની મારી મોરલીઓ;

મોરલીએ નાગ ડોલ્યા જગા;

લાસુડી વાઘરણ ધૂણે જગા.

પાવાના ગઢે મોરચા માંડ્યા;

જીવણીએ જાત્રા માંડી જગા;

સાતસો વાઘરી તેડાવ્યા જગા.

સાતસો ડાકલાં લઈ આયા જગા;

સોના રૂપાની ગેડી લાયા જગા;

પાંચસો પૂતળીઓનો ચંદરવો.

ચંદરવે ચાર હીરા જડ્યા;

ઊગમણા રથ આયા જગા,

અમ્બે બેસીને આવે જગા.

ચમ્મર ઢોળે દેવી ચાંમુડા;

હાકો વાગે દેવી હેંગળાજની,

વાઘ તણી અસવારી જગા.

રસપ્રદ તથ્યો

માતાનો માંડવો નાખે ત્યારે ડાકલા સાથે ગવાતી માતાની સ્તુતિ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968