tapeshwri - Lokgeeto | RekhtaGujarati

તપેશ્વરી

tapeshwri

તપેશ્વરી

આંબુ જાંબુની શીતળ છાંયા,

તપિયો તપ લઈ બેઠો જી રે;

ધૂણી ધખે, ને અંગારા ઊડે,

બેઠો ઝાડવા હેઠો જી રે.

હું રે પારવતી ખરેખરી તો,

તપિયાનાં તપ છોડાવું જી રે.

કાખમાં સુંડલો, ને હાથે સાવરણી,

વન વાળવાને દોડું જી રે.

આથમણા વાળ્યું, ઉગમણા વાળ્યું,

તપિયાને એની રજ ઊડી જી રે.

તપિયાએ તો ઊંચે રે જોયું,

વનમાં નારી દીઠી જી રે.

કોણ છે જાતની? કોણ છે ભાતની?

આઈ શું લેવા આવી જી રે?

જાતની ભીલડી, ભાતની ભીલડી,

ભીલને જમાડવા આવી જી રે.

તારા ભીલને મૂકે દે પડતો,

કર શંકરની સેવા જી રે.

ઘેલા મા’દેવજી, ઘેલું શું બોલો!

ઘેલાં લા’વા લેવા જી રે.

ભીલડી દેખીને મા’દેવજી મો’યા,

તપિયાનાં તપ ચૂક્યા જી રે.

આંબુ જાંબુની શીતળ છાંયા,

મા’દેવજીએ તપ મૂક્યાં જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 278)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968