shiw bhilDi - Lokgeeto | RekhtaGujarati

શિવ-ભીલડી

shiw bhilDi

શિવ-ભીલડી

આંબુ જાંબુની છાંય રે મા’દેવજી, ત્યાં કાંઈ રમ્મત માંડી જી રે,

રમતાં રમતાં વાદ વદિયાં, તપીએ જઈ તપ ધરીયાં જી રે.

‘તમે પારવતી પિયર પધારો, અમે જાયેં તપ કરવા જી રે!'

‘હું રે મા’દેવજી ખરેખરી હોઉં તો તપિયા છોડાવું જી રે.'

સેાનલાં ને રૂપલાં ડાબલે ડાટ્યાં, પિત્તળ લઈને પેર્યાં જી રે,

હીરને ચીર પટારે ઠાસ્યાં, ફાટલ તૂટલ પેર્યાં જી રે.

હાથમાં સાવરણો ને કાખમાં સૂંડલો, ભીલડીનો વેશ લીધો જી રે,

ઊગમણાં વાસીદાં વાળ્યાં કે આથમણી રજ ઊડી જી રે.

‘કોણ છો જાતતી ને કોણ છો ભાતની, કોણ તમારાં નામ જી રે,’

‘જાતની કોળણ, ભાતની ભીલડી, ભીલી અમારાં નામ જી રે.'

ભીલઘર ના’તી ને ભીલઘર ધેાતી, લાલ લાલ મેાતીડાં પરોવતી જી રે,

અમારા ભીલના વછા પડયા છે, ચાલું જગમાં જોતી જી રે.’

‘આવ્યની કોળણ, બેસ્યની ભીલડી, આપણે રમત રમીએ જી રે,

રિયો રિયેા ભીલી રાણી અમારે ચરણે, તને કરું પટરાણી જી રે.'

‘તમારે મા’દેવજી ગંગા-પારવતી, ભીલડીને શું કરશેાજી રે,'

‘પારવતીને પિયર વળાવું, ગંગાને પાણી ભરાવું જી રે.

સિંઘળદીપમાંથી હસ્તી મગાવું, લાલ લાલ ચૂડીયું ઘડાવું જી રે,

ચૂડીયું ઉપર ચીપું મઢાવું ને લાલ પલંગ બિછાવું જી રે.'

‘તમારે મા’દેવજી તૂટલ ખાટલી, તે દેખી અમે ડરીએ જી રે.'

‘વનનાં ઝૂંપડાં દૂર કરાવું, લાલ લાલ મેડીયું ચણાવું જી રે.’

‘તમારે મા’દેવજી ટાઢા ટુકડા, તે દેખી અમે ડરીએ જી રે.'

‘ટાઢા ટુકડા દૂર કરાવું, લાલ લાલ ચૂરમાં વળાવું જી રે.’

‘તમારે મા’દેવજી ઝાઝી ભભૂત, તે દેખી અમે ડરીએ જી રે.’

‘ઝાઝી ભભૂત દૂર કરાવું, કંકુવરણી કાયા જી રે.’

‘તમારે મા’દેવજી ગળે સરપડાં, તે દેખી અમે ડરીએ જી રે,’

‘ગળેથી સરપ દૂર કરાવું, ફૂલના હાર પે'રાવું જી રે.’

‘તમારે મા'દેવજી લાલિયો ધોકો, તે દેખી અમે ડરીએ જી રે,’

લાલિયા ધોકા દૂર કરાવું, લાલ લાલ લાકડી રખાવું જી રે.’

‘તમારે મા’દેવજી લાંબી જટાયું, તે દેખી અમે ડરીએ' જી રે,’

‘લાંબી જટાયું દૂર કરાવું, લાલ લાલ આંખેાડા વળાવું જી રે.’

‘અમારો ભીલ છે કાળો ને ઘેલો, જંગલ કેરો વાસી જી રે,

સાંજ પડે ને મારો ભીલ ઘરે આવે, તુજ મુજને શિવ, મારેજી રે,’

‘ઓતરા ખંડમાંથી વાદળી ચડાવું, ઝીણો ઝીણો મેહુલો વરસાવું જી રે,

તારા ભીલને ડૂબવીને મારું, તને કરું પટરાણી જી રે.'

‘અમારે શિવજી એવી રીત્યું કે નર નાચે ને નારી રીઝે જી રે,'

હાથે છેને વાળી ને પગે છે ઘૂઘરી, થેઇ થેઈ શિવજી નાચે જી રે.

પારવતીએ રૂપ પરકાસ્યું તે કયાં ગઈ ભીલાંરાણી જી રે?

ઈશવર પારવતી પરણવાં બેઠાં, ગાયે સકળ નરનારી જી રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 255)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981