magyo mankho nahi male - Lokgeeto | RekhtaGujarati

માગ્યો મનખો નહિ મળે

magyo mankho nahi male

માગ્યો મનખો નહિ મળે

પરભુ, કોરા કાગળની ચોપડી રે,

પરભુ, લાંબા લખજો લેખ;

માજ્યો મનખો ફરી ફરીને નઈં મળે રે લોલ.

પરભુ, દાદા વની શી દીચરી રે,

પરભુ, માય વના શાં લાડ?

માજ્યો મનખો ફરી ફરીને નય મળે રે લોલ॥

પરભુ, વીરા વની શી બેનડી રે,

પરભુ, ભોજઈ વની શી નણંદ?

માજ્યો મનખો ફરી ફરીને નઈં મળે રે લોલ.

પરભુ, મામા વના શાં મોસાળિયાં રે,

પરભુ, મામી વના શાં હેત?

માજ્યો મનખો ફરી ફરીને નઈં મળે રે લોલ.

પરભુ, જેઠ વના શા ઘોંઘટા રે,

પરભુ, જેઠાણી વનાં શા વાદ?

મોજ્યો મનખો ફરી ફરીને નઈં મળે રે લોલ.

પરભુ, દેવર વના શી ભાભી રે,

પરભુ, દેરાણી વના શી જોડ્ય?

માજ્યો મનખો ફરી ફરીને નઈં મળે રે લોલ.

પરભુ, નણંદ વના શી ભોજઈ રે,

પરભુ, નણદોઈ વના શાં હેતા?

માજ્યો મનખો ફરી ફરીને નઈ મલે રે લોલ.

પરભુ, કોરા કાગળની ચોપડી રે,

પરભુ, લાંબા લખડો લેખ;

માજ્યો મનખો ફરી ફરીને નઈં મળે રે લોલ.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના કુંવાર ગામની બહેનો પાસેથી મળેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968