juaran - Lokgeeto | RekhtaGujarati

જુઆરાં

juaran

જુઆરાં

રસિયા! વાડાની વરખડીએ, મધડાં બેસિયાં રે લોલ.

રસિયા! નીસરણી મૂકાવો, મધડાં ઉભા રિયે રે લોલ.

રસિયા! ચાંદીને વાટકડે, મધડાં ઝીલિયે રે લોલ.

રસિયા! નીસરણી ખશી ને, મધડાં ઢળી ગયાં રે લોલ.

રસિયા! સસરાને બોલાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! ઘાટ ને ઘરેણાં આપણ શોભતાં રે લોલ.

રસિયા! ખોટાં ને કડલાં તે વેરવણ શોક્યને રે લોલ.

રસિયા! સાસુને તેડાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! પરસળે ઓરડિયા, આપણ શોભતા રે લોલ.

રસિયા! ઝાંપલિયે ઝૂંપલડી, તે વેરવણ શોક્યને રે લોલ.

રસિયા! જેઠને તેડાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! હીંડોળા ખાટો, તે આપણ શોભતી રે લોલ.

રસિયા! ઝાંપાની ઝૂંપલડી, વેરવણ શોક્ય રે લોલ.

રસિયા! દીઅરને તેડાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! ભગરી ને ભેંશો, તે આપણ શોભતી રે લોલ.

રસિયા! કાળી ને ડોબી, તે વેરવણ શોક્યને રે લોલ.

રસિયા! દેરાણીને તેડાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! ધોળી તે ગાયો, તે આપણ શોભતી રે લોલ.

રસિયા! કાળી ને બકરી, તે વેરવણ શોક્યને રે લોલ.

રસિયા! જેઠાણીને તેડાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! તાંબાનાં બેડાં, તે આપણ શોભતાં રે લોલ.

રસિયા! કચરાનું બેડું, તે વેરવણ શોક્યનું રે લોલ.

રસિયા! નણંદને તેડાવો, જુઆરાં વહેંચિયે રે લોલ.

રસિયા! બબલો ને છોકરો, તે આપણ શોભતો રે લોલ.

રસિયા! કાણો ને કૂબડલો વેરવણ શોક્યને રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 255)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968