laje maro paranyo pardesh - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાજે મારો પરણ્યો પરદેશ

laje maro paranyo pardesh

લાજે મારો પરણ્યો પરદેશ

[ફરતાં ફરતાં ગાવાનો ત્રણ તાળીનો રાસડો]

સાતે ને સમદર જળે ભર્યાં, પંખીડાલાલ,

પંખીડો બેઠો તળાવ.

સોના ઈંઢોણી રુપા બેડલું, પંખીડાલાલ,

સાતે સૈયર જળ ભરવા જાય.

છયેના પરણ્યા ઘેર છે, પંખીડાલાલ,

સાતમીનો પરણ્યો પરદેશ.

છયેના વાન ઊજળા, પંખીડાલાલ,

સાતમીનો ભીનેરો વાન.

ફોડ ઘડો ને કર કાચલડી, શામળડી,

તું ચાલ મારલી સાથ.

સોનું પેરાવું તને શોભતું, શામળડી,

રુપલાના નહીં પાર.

મોતી પેરાવું તને નરમળાં, શામળડી,

મગિયાનો નહીં પાર.

ચીર પે’રાવું તને શોભતાં, શામળડી,

ઘરચોળાંનો નહી પાર.

છાણું બૂડે ને છલ્લો તરે પંખીડાલાલ,

તોય ના’વું તારલી સાથ.

ભર્યે સમદરિયે દીવડો પ્રગટે, પંખીડાલાલ,

તોય ના’વું તારલી સાથ.

બળ્યું તારું સોનું શોભતું પંખીડાલાલ,

બળ્યા તારો રુપલાનો પાર.

બળ્યાં તારાં મોતી નરમળાં, પંખીડાલાલ,

બળ્યો તારો મગિયાનો પાર.

બળ્યાં તારાં ચીર શોભતાં પંખીડાલાલ,

બળ્યો તારો ઘરચોળાનો પાર.

લાજે મારું સાસર સાયરું, પંખીડાલાલ,

લાજે મારાં મા ને બાપ.

લાજે મારું અટમકટમ રે, પંખીડાલાલ,

લાજે મારાં ભાઈ ને ભોજાઈ.

લાજે મારી વડેરી બેન રે, પંખીડાલાલ,

લાજે મારો પરણ્યો પરદેશ.

વારી જાઉં તારાં વેણને શામળડી,

રાખ્યો મારા ઘરડાનો રંગ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ