halo! halo! - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાલો! હાલો!

halo! halo!

હાલો! હાલો!

હાલોને તો ગોરી,

ભાઈને પારણે હીરની દોરી;

ભાઈ તો મારો ગોરો,

એની કેડ હીરાનો કંદોરો.

હાલો! હાલો!

ભાઈ મારો એવડો,

શેરડીના સાંઠા જેવડો;

શેરડીને સાંઠે કીડી,

ભાઈના મુખમાં પાનની બીડી.

હાલો! હાલો!

મારા ભાઈને કોઈ તેડે,

તેને લાડવા બાંધુ ચારે છેડે;

હાલ વાલ ને હલકીઆં,

ભાઈને ઘોડીએ રમે ચરકલીઆં

ચરકલીઆં તો ઊડી ગયાં,

ભાઈનાં દુઃખડાં લેતાં ગયાં.

હાલો! હાલો!

ગોરી ને રે ગોરી,

ભાઈને મોટી પાલ રે વોરી;

પાલનો વાંસ છે પોલો,

ભાઈની મામીને લઈ ગયો કરણ ગોલો.

હાલો! હાલો!

હાલો ભાઈને, હાલો ને ગોરી,

નવાનગરની ઊંચી બારી;

છોકરા પરણે ને મા કુંવારી,

જુઓ રે લોકો કળીનાં કૌતક.

હાલો! હાલો!

પેલા ચાંદાને કીડી ધાવે,

બહેશે કહે કે બચ બચ બોલે;

આંધળો કહે કે દેખાઈ જઈએ,

નાગો કહે કે લૂંટાઈ જઈ એ;

પાડા દૂઝે તે ભેસ વલોવે,

મીનીબાઈ બેઠાં માખણ ચોરે.

હાલો! હાલો!

સૂતા રે સૂડા ને સૂતા પોપટ,

સૂતા રૂડા રામ;

એક સૂતો મારો વનુભા,

જગાડ્યું આખું ગામ.

એક ઘડી તું સૂઈ જા રે ભાઈ!

મારે ઘરમાં ઝાઝાં રે કામ;

કામ ને કાજ સૌ રહેવા દેજો,

નાનકડીઆને લઈ રહેજો;

કામકાજ મૂકોને પડતાં,

રે ભાઈને રાખો ને રડતા.

હાલો! હાલો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ