pankhiDun wiwa’ kare - Lokgeeto | RekhtaGujarati

પંખીડું વિવા’ કરે

pankhiDun wiwa’ kare

પંખીડું વિવા’ કરે

ઝાડે ઝાડે જગ નોતર્યાં રે,

નોતર્યું વંદ્રાવન, પંખીડું વિવા’ કરે!

કાગડાની કોટે કોંકોતરી રે,

નોતરું દેવાને જાય, પંખીડું વિવા’ કરે.

ભમરાને મોકલ્યો ડુંગરે રે,

વાઢ્યા લીલુડિયા વાંસ, પંખીડું.

હોલાભાઈ વેલડી જોતરી રે,

લેવા લીલુડિયા વાંસ, પંખીડું.

જો જો ભાઈ, જાળવીને વાંસડા ભરજો રે,

મારી તરણાની વે’લ, પંખીડું.

કીડીબાઈને મોકલી પાલમાં રે,

લેવા પાલવિયું ઘી, પંખીડું.

લાવી ઘીયાંની પાર, પંખીડું.

મંકોડાને મોકલ્યો માળવે રે,

લાવ્યો માળવિયો ગોળ,પંખીડું.

દેડકો કે’ હું ડગમગિયો રે,

દાદા ડગલો સીવાડ, પંખીડું.

મોરે તે મંડપ રચિયો રે,

રચિયો વંદ્રાવન, પંખીડું.

લીલુડિયા વાંસ લાવિયા રે,

તેના માંડવા બંધાય, પંખીડું.

ગંગા કેરી ગોરમટી મંગાવી રે,

તેની ચોરીઓ ચિતરાય પંખીડું.

વૈય બેઠી વડાં કરવા રે,

કાબર પૂરે છે તેલ, પંખીડું.

વૈય બે’ને વડાં કરિયાં રે,

હરિબાઈ ચાખવાને જાય, પંખીડું.

કાબરે મૂક્યો છૂટો ચાટવો રે,

હરિભાઈ રિસાયા જાય, પંખીડું.

સમડી સંદેશા લાવી રે,

સામે આવે છે જાન, પંખીડું.

વાંદરને વાંસે ચઢાવિયો રે,

કેટલે આવે છે જાન? પંખીડું.

સીમ શેઢે તલાવડી રે,

સસલો લૂંટે છે જાન! પંખીડું.

કાંચીડાની કોટે છે ઢાલડી રે,

હોલાની કેડે તલવાર, પંખીડું.

બહાદુર શૂરા બહુ બળિયા રે,

લડવા તૈયાર થાય, પંખીડું.

ગામને ગોંદરે જાન આવી રે,

સામૈયું લેવા સૌ જાય, પંખીડું.

ઘોહટીને માથે છે મોડિયો રે,

જાણે નવલી વેવાંણ, પંખીડું.

કો’ળું ને ભૂરું બેઉ શાંતક કરે,

ભીંડો ભણે છે વેદ, પંખીડું.

વરરાજા ચોરીમાં પધારિયા રે,

હાથ મેળાપ થાય, પંખીડું.

બિલ્લીબાઈ ચાલ્યાં જાનમાં, રે,

વિવા’ મા’લવાને કાજ, પંખીડું.

આગળ મલ્યા બે કૂતરા રે,

બિલ્લીબાઈની ભાંગી છે ડોક, પંખીડું.

ગામના લોક પૂછે જોઈને રે,

બિલ્લીબાઈ! શેનાં લોઈ, પંખીડું.

ગ્યાં’તાં વેવાઈને માંડવે રે,

ઝાઝાં ખાધાં છે પાન, પંખીડું.

ચાંચડની માં ઘણી ચંગી રે,

ચાંચડ ચોરી કરવાને જાય, પંખીડું.

સર્વેનું તેલ કાઢી પીતો રે,

છાનો ચાંચડ ચટકાવી જાય, પંખીડું.

ઢૂકો હુક્કો ફેરવે રે,

વેવાઈ લ્યોને હુક્કો, પંખીડું.

ઝાડે ઝાડે જગ નોતર્યું રે,

નોતર્યું વંદ્રાવન, પંખીડું વિવા’ કરે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957