ker kanto - Lokgeeto | RekhtaGujarati

કેર કાંટો

ker kanto

કેર કાંટો

હાં કે રાજ!

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તાં,

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

વડોદરાના વૈદડાને તેડાવો,

મારા કાંટડીયા કઢાવો,

મને પાટડીઆ બંધાવો;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ધોરાજીના ઢોલિયા મંગાવો,

માથે પાથરણાં પથરાવો;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ચરમાંથી રાંધણિયાં કઢાવો,

મારી ઘુંવાડે દુઃખે આંખ્યો;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ઘરમાંથી ઘંટિયું કઢાવો,

મારાં ધડકે માંથા ચમકે;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ઘરમાંથી ખાંડણીઓ કઢાવો,

મારા ધબકે ખંભા દુઃખે;

મને કેર કાંટો વાગ્યો.

હાં રે રાજ!

આંગણીએથી ગાવડિયું કઢાવો;

એના ધમ્મર વલોણાં સોતી

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

સાસુડીને તિરથ કરવા મેલો,

એના નાનાં છોરૂડાં સોતી;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

સસરાને ચોવટ કરવા મેલો,

મને રોજ ઘુંઘટડા કઢાવે;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

નણદડીને સાસરીએ વળાવો,

એના બાંધ્યા બચકા સોતી;

મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ!

ફળિયામાંથી પાડોશણને કાઢો,

એના તે રેંટયા સોતી;

મને કેર કાંટો વાગ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 287)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968