pani gyan’tan ame wijalmanya - Lokgeeto | RekhtaGujarati

પાણી ગ્યાં’તાં અમે વીજલમાંય

pani gyan’tan ame wijalmanya

પાણી ગ્યાં’તાં અમે વીજલમાંય

પાણી ગ્યાં’તા અમે વીજલ માંય રે,

રાશ પૂગે, મારો ઘડૂલો ડૂબે;

કૂવાને કાંઠે વહાણાં વાયાં રે : પાણી ગ્યાં’તાં.

હરતા ને ફરતા ચાર સાધુડા રે આયા,

બાઈ, અમને જળ પાણી પાવ રે; પાણી ગ્યાં’તાં.

ચીર ફાડીને મેં તો ઘડૂલો બુડાડ્યો,

સાધુડાંને જળ પાણી પાયાં રે; પાણી ગ્યાં’તાં.

બેડું ભરીને વહુવર ઘેર રે આવ્યાં,

સાસુજી પૂછવા લાગ્યાં રે; પાણી ગ્યાં’તાં.

રાશ પૂગે, મારો ઘડૂલો ડૂબે,

કૂવાને કાંઠે વહાણાં વાયાં રે; પાણી ગ્યાં’તાં.

ઘંટી તાણો તો વહુ ઘરમાં રે પેસો,

ઝાંપે ઝુંપડી બનાવો રે, પાણી ગ્યાં’તાં.

ઘંટી તાણું ના તારા, ઘરમાં પેસું,

ઝાંપે ઝૂંપડી બનાવું રે; પાણી ગ્યાં’તાં.

હાથમાં છે પોટલું ને બગલમાં છોકરૂં,

લીધી મહિયરિયાની વાટ રે; પાણી ગ્યાં’તાં.

પહેલા મનામણે સસરોજી આયા,

વળો વહુવારૂ ઘેર રે; પાણી ગ્યાં’તાં.

તમારી તે વાળી સસરા, નહીં વળું રે,

સાસુજીના કડવેલા બોલ રે; પાણી ગ્યાં’યાં.

બીજા મનામણે જેઠજી આયા,

વળો વહુવારૂ ઘેર રે; પાણી ગ્યાં’તાં.

તમારી તે વાળી જેઠજી, નહીં વળું રે,

માતાના કડવેલા બોલ રે; પાણી ગ્યાં’તાં.

છેલ્લે મનામણે પરણ્યોજી આયા,

વળો ગોરાંદે ઘેર રે, પાણી ગ્યાં’તાં.

પરણ્યાના હાથમાં બેવડ રાશ્ય રે,

ના ચાબખા લગાવ્યા બે ચાર રે;

ચાબખે પાછા વળ્યાં રે પાણી ગ્યાં’તાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968