pandar tithi - Lokgeeto | RekhtaGujarati

પંદર તિથિ

pandar tithi

પંદર તિથિ

પડવે પાતળિયા ગિરધારી કે મારે ઘેર આવજો રે લોલ.

બીજે બાળક બેઠું બહાર કે મેં સમજાવિયું રે લોલ.

ત્રીજે ત્રણ ભુવનનો નાથ કે મોતીડે વધાવીએ રે લોલ.

ચોથે મંગળ બોલી નાર કે મથુરાંની વાટમાં રે લોલ.

પાંચમે પગલાં ભરજો પ્રેમ કે મારે ઘેર આવજો રે લોલ.

છઠે છોગાળા ભગવાન કે ભગતને તારજો રે લોલ.

સાતમે સાદ કરે એક નાર કે ગોકુળ ગામની રે લોલ.

આઠમે અવતરિયા ભગવાન કે નીરખું નાથ ને રે લોલ.

નોમે વરત કરે એક નાર કે ગોકુળ ગામની રે લોલ.

દસમે માર્યો મામો કંસ કે મથુરાંની વાટમાં રે લોલ.

એકાદશી પરણી લાવ્યા નાર કે સતભામા ખરી રે લોલ.

બારશે બહુ બળિયા ભગવાન કે દશે દિશ વાળિયા રે લોલ.

તેરશે ધન ધૂવે એક નાર કે ગોકુળ ગામની રે લોલ.

ચઉદશે બંશીબટને ચોક કે રાસ રમાડજો રે લોલ.

પૂનમે પંદર તિથિ થઇ પૂરી કે ગુણ ગાઈ રહી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 327)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957