ram wanwas - Lokgeeto | RekhtaGujarati

રામ વનવાસ

ram wanwas

રામ વનવાસ

રઘુનાથજી, વન કેમ ચાલશો? કે છે કૌશલ્યા માત.

અમે, કોને, રે આધારે દિવસ ગાળશું, કોને સોંપીશું રાજ?

રઘુનાથજી, વન કેમ ચાલશો?

રામજી, વન રે જાવું ઘણું દોયલું, કોમળ તમારાં છે તન,

અમને ઘરમાં તે કેમ ગોઠશે, કોને કહીએ રે વાત?

રઘુનાથજી, વન કેમ ચાલશો?

રામજી, જનકની તનયા કોમળ ઘણાં, કોમળ સુમિત્રાના તન,

તેથી કોમળ અંગ તમ તણાં, કેમ સહેવાસે વન?

રઘુનાથજી, વન કેમ ચાલશો?

અહીં ભોજન જમવા ભાવતાં, ત્યાં છે વન ફળનો આહાર,

અહીં તો પલંગ પર પોઢવાં, પ્રથમી કેમ રે પોઢાય?

રઘુનાથજી, વન કેમ ચાલશો?

પુત્ર, વચન પાળો તો વન નવ જાશો, વૃદ્ધ તમારા છે તાત,

વારે વારે ખોળા પાથરી, વિનતી કરે છે રે માત;

રઘુનાથજી, વન કેમ ચાલશો?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968