nawlakh nai charun - Lokgeeto | RekhtaGujarati

નવલખ નઈ ચારું

nawlakh nai charun

નવલખ નઈ ચારું

નઈં ચારું રે મોરી માત,

નવલખ નઈં ચારું.

સાથે મોકલોને બળભદર ભ્રાત,

નવલખ નઈં ચારું.

તરણાં ચરે ને ચુંટકા કરે,

મને શીંગ મરડીને ધાય;

માતાજી વનમાં એકલો,

મને સામી તે મારે ગાય.

નવલખ નઈં ચારૂં.

જશોદાજી કે’ તમે સુણો મારા બાળ,

નાગ તણું છે ગૃહસુત્ર;

પાતાળે પેસીને કાલીનાગ નાથ્યો,

પ્રાક્રમ મારા પુત્ર;

નવલખ નઈં ચારૂં.

માતાજી કેરાં વચનો સાંભળી,

ઊતરી બાળાની રીસ,

જમનાને કાંઠડે ઘેનુ ચરાવવા,

ચાલ્યા કૃષ્ણ જગદીશ.

નવલખ નઈં ચારૂં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968