naw naw mahina odar rakhya - Lokgeeto | RekhtaGujarati

નવ નવ મહિના ઓદર રાખ્યા

naw naw mahina odar rakhya

નવ નવ મહિના ઓદર રાખ્યા

નવ નવ મહિના ઓદર રાખ્યા ને બત્રીસ ધાવણ ધવરાવ્યા,

મારુ વહુ રે તમે કૃષ્ણને વંશ કીધા.

ધીરજ ધરીને નણદલબા બોલ્યાં, સાંભળો મારી વાત,

મારી ભાભી રે તમે કૃષ્ણને વંશ કીધા.

ના હતા ત્યારે, ટાસકા કીધા ને ટૂસકા કર્યા,

ને વીરાના પેટમાં ઉતાર્યા,

મારી ભાભી રે તમે કૃષ્ણને વંશ કીધા.

તારા કુળમાં એવી રીત, એક મેલીને બીજાને જાય,

મારાં ભાભી રે તમે કૃષ્ણને વંશ કીધા.

ધીરજ ધરીને વહુવારુ બોલ્યાં, સાંભળો મારી વાત,

મારાં સાસુ રે તમારા વહુવારુને શીદને સંતાપો?

નથી રે તમે માંડવડો સેવિયો, નથી માંડવડામાં મહાલ્યાં,

મારી બૈયર રે તમે વહુવારુને શીદને સંતાપો?

ધીરજ ધરીને નણદલબા બોલ્યાં, સાંભળો મારી વાત,

મારી ભાભી રે તમે કૃષ્ણને વંશ કીધા.

ભીનેથી સૂકે સુવરાવ્યા,

મારી ભાભી તમે કૃષ્ણને વંશ કીધા.

ભીનેથી સૂકે સુવરાવ્યા,

મારી ભાભી તમે કૃષ્ણને વંશ કીધા.

ધીરજ ધરીને વહુવારુ બોલ્યાં, સાંભળો મારી વાત.

મારાં નણદલ રે વહુવારુને શીદ સંતાપો?

એટલા બધા વહાલા હતા ત્યારે મથુરામાં શીદને મૂકી આવ્યા?

મારાં નણદલબા રે વહુવારુને શીદને સંતાપો?

નથી તેં કીનખાબના ખોયા બંધાવ્યા,

નથી હીરલા દોરીએ હીંચોળ્યા,

નાનેથી મોટા માસીબાએ કર્યા,

ભીનેથી સૂકે સુવરાવ્યા મારાં બાઈ રે

મારાં નણદલબા રે વહુવારુને શીદને સંતાપો?

મંદિરિયામાંથી મોહનજી બોલ્યા, સાંભળો મારી વાત.

મારાં મારા તે, વહુવારુને શીદને સંતાપો?

પહેલા જાણે આપણે કીધું ને પછી,

વહુવારુને મહેણાં મારે મારાં માતા રે,

તમે વહુવારુને શીદને સંતાપો?

મહેણાં મારે મારી માત, વહુવારુને શીદને સંતાપો?

પરણ્યા પછી જે પિયરિયે રહે, એનો એળે ગયો અવતાર,

મારાં બે’ની રે વહુવારુને શીદને સંતાપો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959