natawarsinh(gonDal)no rasDo - Lokgeeto | RekhtaGujarati

નટવરસિંહ(ગોંડળ)નો રાસડો

natawarsinh(gonDal)no rasDo

નટવરસિંહ(ગોંડળ)નો રાસડો

રાયફલો લીધી બાપુએ હાથમાં, ખેલે કંઈ સાવઝના શિકાર રે,

નટવરસિંહબાપુ! સૂતા સાવઝને નો’તો મારવો.

બાંધ્યા મેડા ને બાંધ્યા કઈ માંચડા,

એવા બાંધ્યા કાંઈ ગીર કાંઠાનાં ગામ રે.

ગોંડલના રાજા, સૂતા રે સાવઝને નો’તો મારવો,

લીધી રે બંદુકો હમેલો બાંધતા. ખેલે કંઈ સાવઝના શિકાર રે,

નટવરસિંહબાપુ! સૂતા રે સાવઝને નો’તો મારવો.

શિકારે ચાલ્યા રે બાપુ ખાંતથી, ખેલે કંઈ સાવઝના શિકાર રે,

ગોંડળના રાજા, સૂતા રે સાવઝને નો’તો મારવો.

સંતરી પોલીસ બાપુની હાથમાં, ચાલ્યા કંઈ ગીરકાંઠામાં જાય રે.

ખેલે કંઈ કેશરી સિંહના શિકાર રે,

નટવરસિંહ બાપુ, સૂતા રે સાવઝને નો’તો મારવો.

ઘવરાવ્યા વનરાજા રે તો ભાગતાં, લીધા કંઈ નટવરસિંહના પ્રાણ રે.

અણધાર્યા તેડાં રે આવ્યાં શ્રી રામનાં, ઊઠી ચાલ્યા કંઈ ગોંડલના પ્રતિપાલ રે.

નટવરસિંહબાપુ, સૂતા સાવઝને નો’તો મારવો.

બિલખા દરબાર સંદેશો મોકલે, તેડાવ્યા દાક્તર ને હકીમ રે.

બેન તો લીલીબા કાગળ મોકલે, મરાણો માડીજાયો વીર રે,

નટવરસિંહબાપુ, સુતા સાવઝને નો’તો મારવો.

ભાઈ તો ભોજરાજ સંદેશો મોકલે, એકદા રાજકોટ મહેમાન થાવ રે.

બાપુ ભગવત તો રૂએ દિલમાં, માતા જનેતા રૂએ ચોધાર રે;

નટવરસિંહબાપુ, સૂતા સાવઝને નો’તો મારવો.

હૈયાની ધારણે મોહનનાથ બોલીઆ, એવા બાપુના જીવતા અમર નામ રે,

આવડાં તે સાહસ નો’તા ખેલવાં. કેશરી સિંહને નો’તો મારવો.

નટવરસિંહબાપુ, સુતા સાવઝને નો’તો મારવો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966