nandlalna mahina - Lokgeeto | RekhtaGujarati

નંદલાલના મહિના

nandlalna mahina

નંદલાલના મહિના

આવો ને નંદલાલ રમવા આવો ને,

નિરભે થયા છો નાથ, કે રમવા આવો ને!

કારતક તો કષ્ટે કહાડ્યો, ભરદરિયે જેમ જહાજ,

માગરશ મહિને મારગડે મેલી, હવે મારું કોણ છે બેલી?

ગિરધર વિના થઈ ઘેલી કે રમવા આવો ને!

પોષ માસે જીવનપ્રાણ તજું રે લોકડિયાંની લાજ લોપું

સંસાર ત્યાગ કરું કે રમવા આવો ને!

મહા મહિને મંદિરિયાં સૂનાં, હરિ વિના આસનિયાં સૂનાં,

વ્હાલા વિના જાય છે જોબનિયાં કે રમવા આવો ને!

ફાગણ ફગફગતી હોળી, અબીલ ગુલાલે ભરાવું ઝોળી,

વ્હાલા વિણ ખેલે કોણ હોળી, કે રમવા આવો ને.!

ચઈતરે મને ચિંતા લાગી, સૂની સેજલડીમાં ઝબકીને જાગી,

વ્હાલાની લેહ મને લાગી, કે રમવા આવો ને!

વઈશાખે વાવલિયા વાયા, આંક ઉઘાડી ચહુદશ જોયા,

આંસુડાં પાલવડે લોયાં, કે રમવા આવો ને!

જેઠ માસે જગજીવન આવે વૈષ્ણવ સરવે વધામણી લાવે,

વાલો મારો કાંઈ કહાવે, કે રમવા આવો ને.

અષાઢે હું અબળા રે નારી, જોબન દરિયો પૂર છે ભારી,

પિયુના વચન વિચારી કે રમવા આવો ને!

શ્રાવણ તો સરવડીએ વરસે નદીએ નીર ઘણાં ભરશે,

વાલો મારો શી રીતે ઊતરશે કે રમવા આવો ને!

ભાદરવો ભરદરિયે ગાજે, લીલાં વન પલ્લવ છાજે,

વ્હાલો મારો કાંઈ ના લાજે, કે રમવા આવો ને!

આસો માસે દેવદિવાળી, લોક વણે સેવ સુંવાળી!

વ્હાલા વિના જમે કોણ થાળી, કે રમવા આવો ને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 341)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957