nandi jogiDane jay - Lokgeeto | RekhtaGujarati

નણદી જોગીડાને જાય

nandi jogiDane jay

નણદી જોગીડાને જાય

નણંદ ને ભોજાઈ પાણીડાં સંચર્યાં રે લોલ.

બેડલું મૂક્યું સરવરિયાની પાળ,

ઉઢાંણી ભેરવી આંબલિયાની ડાળ;

બેનીજી મો’યા જોગીની જમાતને રે લોલ.

શીળી સરવરિયાની પાળ, કે વડલા લે’રે જાય,

બાળા જોગીડે ડેરા તાણિયા રે લોલ;

બેનીજી મો’યાં જોગીની જમાતને રે લોલ.

સાંભળો મારી સગી નણંદના વીર,

દખડાં લાગે તો કઉં એક વાતડી રે લોલ;

બેનીજી મો’યાં જોગીની જમાતને રે લોલ.

કે ઢાલે ને તલવારે વીરોજી નીસર્યાં રે લોલ;

કે આંગણિયે તે બેની સામાં મળ્યાં રે લોલ.

બેની મોરી, હીર ચીરનાં પે’રનારાં,

જોગીનાં ભગવાં તમને ક્યમ વસ્યાં રે લોલ?

વીરા, તારા હીર ને ચીર બાંધી મેલ્ય,

જોગીનાં ભગવાં મારે દિલ વસ્યાં રે લોલ.

બેની મોરી, સોના બેડે જળ ભરનારાં,

જોગીની તુંબડિયો તમને ક્યમ ગમી રે લોલ?

વીરા, તારાં સોના બેડાં મૂકી છાંડ્ય,

જોગીની તુંબડિયો મારે મન વસી રે લોલ.

બેની મોરી, ઢોલિયાનાં પોઢનારાં,

જોગીની ધાગડિયો, ક્યમ દિલ વસી રે લોલ?

વીરા, તારા ઢોલિયા ઢાંકી મેલ્ય,

જોગીની ધાગડિયો મારે દલ વસી રે લોલ.

બેની મારાં, અમરતનાં જમનારાં,

જોગીના માગ્યા ટૂકડા નહિ ગમે રે લોલ.

વીરા, તારાં અમરત રાખી મેલ્ય,

જોગીના માગ્યા ટૂકડા બહુ ભલા રે લોલ.

બેની મોરી, મો’લોની રે’નારી,

જોગીની ઝૂંપડીઓ નહિ ગમે રે લોલ.

વીરા તારા મો’લો અમ્મર રાખ,

જોગીની ઝૂંપડીઓ મારે દિલ વસી રે લોલ.

વીરાની આંકે નીતરે ચોધારાં નીર,

બેની મો’યાં જોગીની જમાતને રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968