saw re sonani mari Dhankni - Lokgeeto | RekhtaGujarati

સાવ રે સોનાની મારી ઢાંકણી

saw re sonani mari Dhankni

સાવ રે સોનાની મારી ઢાંકણી

સાવ રે સોનાની મારી ઢાંકણી, મંઈ ભમ્મરિયાળી ભાત જો.

મારી સાસુએ પૂછીયું, વઉ ચીમ કરતાં નંદવાણી જો!

નાના દિયરીઆને પીરસતાં, મારા હાથેથી વછુટી જો;

સાવ રે સોનાની મારી ઢાંકણી.

ઢાંકણી ફૂટી તો વઉ ભલે ફૂટી, તમે મેલો ઘરની માયા જો;

ઘરની માયા ચીમ કરી મેલું? મારે ભવે ભવનો સાથ જો.

સાવ રે સોનાની મારી ઢાંકણી.

ઉડતાં પંખીડાં વીરા વેનવું,’ કાંય સંદેશો લઈ જાવ રે;

મારા દાદાને એટલું કે’જો, તમારી દીચરી વેઠે વનવાસ જો;

સાવ રે સોનાની મારી ઢાંકણી.

મારા દાદાની રીસુ ચડી, હાથીડા લવ્યા ત્રીસ જો;

લ્યો રે વેવાણ હાથીડા, મારી દીચરીનાં મેણાં ભાંગો જો;

સાવ રે સોનાની મારી ઢાંકણી.

ઉડતાં પંખીડાં વીરા વેનવું કાઈ સંદેશો લઈ જાવ જો;

મારા કાકાને એટલું કે’જો, તમારી ભત્રીજી વેઠે વનવાસ જો.;

સાવ રે સોનાની મારી ઢાંકણી.

મારા કાકાને રીસું ચડી, ઘોડીલા લાવ્યા દશવીશ જો;

લ્યો રે વેવાણ ઘોડીલા, મારી ભત્રીજીનાં મે’ણાં ભાગો જો.

સાવ રે સોનાની મારી ઢાંકણી.

ઉડતા પંખીડા વીરા વેનવું, કાંય સંદેશો લઈ જાવ જો;

મારા વીરાને એટલું કે’જો, તારી બેની વેઠે વનવાસ જો;

સાવ રે સોનાની મારી ઢાંકણી.

મારા વીરાને રીસુ ચડી, કાંચ ઢાંકણીયું લાયા ત્રીસ જો;

લ્યો રે વેવાણ ઢાંકણિયું, મારી બેનડીનાં મે’ણાં ભાંગો જો.

સાવ રે સોનાની મારી ઢાંકણી.

કાઠા તે ઘઉંની ભૈડી લાબશી, મંઈ ખોબલે પીરશી ખાંડ જો.

જમી રે લ્યો મારા સમરથ વેવાઈ, બોલ્યું ચાલ્યું કરો માફ જો.

સાવ રે સોનાની મારી ઢાંકણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966