bijaDun - Lokgeeto | RekhtaGujarati

બીજડું

bijaDun

બીજડું

આબુગઢથી રમતું રે આયું, વાડામાં વવરાયું રે,

રે બીજડિયું ફાલ્યું-ફૂલ્યું લચકા રે લોળ રે;

ભઈનું રોપેલ બીજડું, ભોજાઈનું સીંચેલ બીજડું.

રે બીજડીએ ફળ એક આયું, વાડ્યે વે’લે હાલ્યું રે,

રે બીજડિયાનું ફળ રે રુપાળું, રાતું-કાળું બીબલિયું રે,

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

રે બીજડિયાને પીલ્યું-પલાળ્યું, તેલ નવટાંચ કાઢ્યું રે,

રે તેલડિયે સોંદડી ઝબોળી, ઘાઘરડે છંટાયાં રે,

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

જોજો જોજો રે નણદલડીના વીરા, સોદંડી કેરો રંગ રે;

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

જો જો જોજો રે નણદલડીના વીરા, ઘાઘરડા કેરા રૂપ રે;

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

પાટણથી બે પહોળા મંગાયાં સૂરજ શેરની સોંદડી રે,

વીર ઓળાવે એની બેનડી, ભોજઈ કઢાવે નણંદડી;

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલું બીજડું.

વનરાવનથી વેલ્ય મંગાઈ, ઘોઘા તે શે’રની ઘુઘરી રે,

વીર ઓળાવે એની બેનડી, ભોજઈ કઢાવે નણંદડી;

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

હાંહલપરથી હાંહડી મંગાઈ, કડી શે’રનાં કડલાં રે,

વીર ઓળાવે એની બેનડી, ભોજઈ કઢાવે નણંદડી;

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

નણદી ઓળાયાં ને ભોજઈ હરખાયાં, હવે તો ઠીક ફાયું રે,

ભઈનું રોપેલ બીજડું, ભોજઈનું સીંચેલ બીજડું.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના સોયલ ગામના શ્રી. કશ્યાભાઈએ ગાઈ સંભળાવેલ આ ગીત છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968