winjhno - Lokgeeto | RekhtaGujarati

વીંઝણો

winjhno

વીંઝણો

વન રે વગડ ઝેણી કોયલ બોલે,

હુડલા બોલે રે સૂકા લાકડે.

રે આંબલિયાની ડાળ વેડાવો,

એનો રે ઘડાવો ભમર ઢોલિયો.

રે ઢોલિયે અમરા-ડમરાનાં વાણ,

સાચા તે હીરનું પાંજેતિયું,

રે ઢોલિયે મારા ચીયો ભઈ પોઢ્યા?

રાણી ચઈ વવુ ઢોળે વાય?

રે ઢોલિયે મારા કીશોરભઈ પોઢ્યા,

રાણી પંખા વવુ ઢોળે વાય.

વાય ઢોળંતા વવુને નેંદરાયું આયી,

વાયરા ઢોળંતા વવુ ઢળી પડ્યાં.

રમતા જમતા મારા પૂનમભઈ આયા,

હાથમાંથી વેંજણો લઈ ગયા.

આલો દેવર, કો’ તો પૈણાવું.

દાસી તમારી ને વેંઝણો અમારો.

હીરલા જડેલો મારો વીંઝણો

માણેક મોતીનો મારો વેંઝણો.

આલો દેવર, કો’ તો રાણી પૈણાવું.

રાણી તમારી, ને વેંઝણો અમારો.

હીરલા જડેલો મારો વેંઝણો,

માણેક મોતીની મારો વેંઝણો.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદના શાંતાબહેન સોલંકી પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968