sitatyag - Lokgeeto | RekhtaGujarati

સીતાત્યાગ

sitatyag

સીતાત્યાગ

લખમણ, મોરા દેવર રે, વનમાં બીકું રે લાગે.

વનમાં ઝાઝા વાંદરા રે, ભોજાઈ ભાઈબંધી કરજો.

વાંદરા કરે હુકાહુક, દેવર અમને નો ગોઠે.

લખમણ મોરા દેવર રે, વનમાં તરસ્યું રે લાગે.

વનમાં ઝાઝાં સરવર રે, ભોજાઈ પાણીડાં પીજો.

બગલાનાં ડોળેલાં પાણી રે, દેવર અમને નો ભાવે.

લખમણ મોરા દેવર રે, વનમાં ભૂખું રે લાગે.

વનમાં ટોચેલાં વનફળ રે, દેવર અમને ના ભાવે.

લખમણ મોરા દેવર રે વનમાં લુગડાં ફાટે.

વનમાં ઝાઝા પાંદડાં રે, ભોજાઈ પે’રીને ફરજો.

પાંદડાં શિયાળે ખરી પડે, દેવર અમને શોભે.

ધરતી મા મારી માવડી રે, અમને મારગ દેજો.

ધરતી ફાટી બે કાસલાં રે, સીતા ભોંયમાં સમાયાં.

લખમણે ઝાલ્યો ચોટલો રે, ભોજાઈ એંધાણી દેજો.

ચોટલે ઉગશે ડાભડો રે, તેના મૂળ પૂજાશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966