najuno rasDo - Lokgeeto | RekhtaGujarati

નજુનો રાસડો

najuno rasDo

નજુનો રાસડો

ટોડાળી વાવ છે નજુ, ટોડાળી વાવનાં પાણી ભાંભળાં રજપૂતડા!

સાંઢિયો શણગાર્યમાં નજુ, સાંઢિયો શણગારી મેળે જાવું રજપૂતડા!

કીનખાબની તે ચોરણી નજુ, ચોરણીના ફૂમતા ઢીંચણે પો’ચે રજપૂતડા!

જાંબુડે જઈશ નહીં નજુ, જાંબુડે જાતો વહેલો આવજે રજપૂતડા!

તારા ગુંજામાં મગડા નજુ, રોજ ચોરે વંચાય તારા ઝઘડા રજપૂતડા!

ફળિયામાં ફર્યમાં નજુ, ફળિયામાં ફજેતો થાશે, રજપૂતડા!

આંધળાં મા-બાપ છે નજુ, આંધળાં મા-બાપને પાણી પાજે રજપૂતડા!

નાનેરી નાર્ય છે નજુ, નાની નારીની દયા રાખજે રજપૂતડા!

બાગવાડીમાં દીપડો નજુ, દીપડો કરે રંજાડ રજપૂતડા!

બસો બંદુકો ત્રણસો તલવારો નજુ, દીપડો મારજે રજપૂતડા!

ખોળામાં બાજરી નજુ, કોણ પૂરે તારી હાજરી રજપૂતડા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966