ashabhang - Lokgeeto | RekhtaGujarati

આશાભંગ

ashabhang

આશાભંગ

જામનગરની મારી ચૂંદડી;

ઓઢીશ ઓઢીશ વાર તહેવાર રે;

જ્યારે જાશું રે નગર સાસરે.

આવતાં આણાં રે બાનાં અટકિયાં,

જોયાં સાસરીઆનાં સુખ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

ના રે રોપ્યા રે મોટા માંડવા,

નથી ધડૂક્યા આંગણિયે ઢોલ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

નથી બેઠાં રે લગનને માયરે,

નથી જોયાં પિયુડાનાં રૂપ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

ના રે ચડ્યા રે ચિતરેલ ચોરીએ,

નથી બાંધ્યા હાથે મીંઢોળ રે;

ના રે ગિયા રે નગર સાસરે.

ના રે જોયા રે ઉંચા બંગલા,

નથી જોઈ રૂડી સાસર વેલ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

પરણ્યા પહેલાં સોનલબાઈ ચાલિયાં,

જીવતાં લીધી મરણ કેરી વાટ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

પંથે પિયુજી એના પરવર્યા,

સોનલ જાતી સરગને ઘાટ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

રે ચુંદલડી તણી સોડમાં,

સામી ઠાંસી સાળુડાની સોડ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

સોનલા વરણી તો બાની ચેહ બળે,

ઉપર ઊડે અબીલ ગુલાલ રે;

ના રે ગિયાં રે નગર સાસરે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 285)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968