moruliyo - Lokgeeto | RekhtaGujarati

મોરુલિયો

moruliyo

મોરુલિયો

આણી તીરે રાણી ભરશે પાણી જો,

સામીને તીરે રે મોર ટહુકા કરે.

રાજાની રાણી પાણીલાં ટહુકા કરે.

રાજાની રાણી પાણીલાં સાંચરાં,

ભઈ રે મોરુલિયા વેરલીઓ ખોદી આલો જો.

ચાંચે ને પાંખે રે વેરીયો ખોદિયો.

ભઈ રે મોરુલિયા વેરલીઓ ગાળી આલો જો,

ચાંચે ને પાંખે રે વેરીયો ગાળિયો.

ભઈ રે મોરુલિયા ઘડુલિયો ભરી આલો જો,

ચાંચે ને પાંખે રે ઘડુલો ભરિયો.

ભઈ રે મોરુલિયા ઘડુલિયો ચડાવો જો,

ઘૂંટણની તાલીએ ઘડુલિયો ચડાવિયો.

ભઈ રે મોરુલિયા ઝાઝા વનમાં રે’જો જો,

રાજાજી જાણશે તો તજને મારશે.

પાળે ચારે ગોવાળિયા ધેન જો,

જઈને રે રાજાજીને ચાડી કરી,

તમારી રાણી મોર સાથે રમે જો.

લીધાં રે લીધાં ધનુષને બાણ જો,

રાજાજી ચાલ્યા રે શિકાર રમવા.

મારજો રે મારજો હરણાં ને કડિયાર જો,

નખે ને મારે રે વનકેરો મોરલો જો.

નહિ રે મારું હરણાં ને કડિયાર જો,

ખોળીને મારીશ રે વનનો મોરલો જો.

રાજાજી તો શિકાર રમવા નિસર્યા,

માર્યા રે માર્યાં હરણાં ને કડિયાર જો,

બીજો ને માર્યો રે વનકેરો મોરલો.

સાગ સીસમની કાવડ બનાવી જો,

તેમાં રે મોરલાને લઈને આવિયા.

લઈને રે આવ્યા રે મો’લના ચોકમાં.

ઊઠો રાણીજી, કંબાડાં ઊઘેડો જો,

રડતાં ને પડતાં કંબાડાં ઉઘેડિયાં.

ઊઠો રાણીજી, દીવલિયા સળગાવો જો,

રડતાં ને પડતાં રે દીવલા સળગાવિયા.

ઊઠો રાણીજી, મોરુલિયાને મારો જો,

રડતાં ને પડતાં રે મોરલો મારિયો.

ઊઠો રાણીજી, મોરુલિયાને ભીંગો જો,

રડતાં ને પડતાં રે મોરુલિયાને ભીંગિયો.

ઊઠો રાણીજી, મોરુલિયો છમકાવો જો,

રડતાં ને પડતાં મોરુલો છમકાવિયો.

ઊઠો રાણીજી, મોરુલિયાને પીરસો જો,

રડતાં ને પડતાં મોરલો પીરસ્યો.

ઊઠો રાણીજી, મોરુલિયાને જમો જો,

તમે જમો ને તમારાં છોરુલિયાં જમાડો જો.

મારે ને મોરલાને છે ભાઈબંધી.

કેવ તો રાણીજી, કુવલિયા ખોદાવું જો,

ટોડેલિયે લખાવું રે વનકેરો મોરલો.

ઘેલા રાજાજી, ઘેલડિયું શું બોલો જો,

ટોડલિયે લખેલો મોર કેમ બોલશે?

કેવ તો રાણીજી, બેડલિયા લઈ આલું જો,

બેડલિયે લખાવું રે વનનો મોરલો.

ઘેલા રાજાજી, ઘેલડિયું શું બોલો જો,

બેડલિયે લખેલો મોર કેમ બોલશે?

કેવ તો રાણીજી અંબર વસાવું જો,

પાલવડે નગટાવું રે વનકેરો મોરલો.?

ઘેલા રાજાજી, ઘેલડિયું શું બોલો જો,

પાલવડે નગટાવેલો મોર કેમ બોલશે?

સાસરીનો સંગાથી મોર કેમ મારિયો?

પિયરનો પાડોશી રે મોર કેમ મારિયો?

મારે ને મોરલાને છેટાં પડિયાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957