morlio risanni - Lokgeeto | RekhtaGujarati

મોરલીઓ રીસાંણી

morlio risanni

મોરલીઓ રીસાંણી

હાં હાં રે, મોરલીઓ રીસાંણી,

મારા ઘેલા કાનુડાની સાથે મોરલીઓ.

તમે કિયા ગામેથી ઊતરિયા,

તમે કિયા પરદેશથી ઊતરિયા,

કંઈ કિયાં તમારા ગામે મોરલીઓ.

અમે પશ્ચેમ દેશથી ઊતરિયા,

ગોકુળ અમારાં ગામે મોરલીઓ.

તમે કોણ બાવાના બેટડા,

કંઈ શાં છે તમારાં નામે મોરલીઓ.

અમે નંદ બાવાના બેટડા,

કૃષ્ણ કાનજી અમારાં નામે મોરલીઓ.

તમે કિયા દેશથી ઊતરિયા,

કંઈ કિયાં તમારાં ગામે મોરલીઓ.

અમે ઓતર દખણથી ઊતરિયા,

મથુરાં મારું મહિયેર મોરલીઓ.

તમે કોણ બાવાની બેટડી,

કંઈ શાંય તમારાં નામે મોરલીઓ.

અમે ભરકુળ ભાણાની બેટડી,

રાધા રાણી અમારાં નામે મોરલીઓ.

રસપ્રદ તથ્યો

(આ ગીત ચરોતરની એક ધારાળા બહેનને મોઢેથી સાંભળ્યું છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959