mirkhanno rasDo - Lokgeeto | RekhtaGujarati

મીરખાંનો રાસડો

mirkhanno rasDo

મીરખાંનો રાસડો

સરીયદનો નર છે વંકો, મીરખાં! તારો દેશમાં ડંકો.

ગાયકવાડી ફોજુ તારી પાછળ પડી હજાર.

સામી છાતીએ ઊભા રહી તેં ધીંગાણું કીધું ધરાર.

સરીયદનો નર છે વંકો, મીરખાં, તારો દેશમાં ડંકો.

કરસન પહેલને ગોળીએ દીધો, માર્યો રતનચંદ શેઠ :

શંખલપુરને ધોળે દિવસે લૂંટ્યુ તે બાંધી ભેટ :

સરીયદનો નર છે વંકો, મીરખાં, તારો દેશમાં ડંકો.

પાટણવાડે રાઢ પડાવી, ધ્રુજાવી ગુજરાત.

ટેકને માટે મીરખાં! તું તો જંપ્યો નહિ દિનરાત :

સરીયદનો નર છે વંકો, મીરખાં! તારો દેશમાં ડંકો.

પાલણપોરને શીરોહી સુધી ઘોડાં તું તગડે જાય.

“મારો” “કાપો”ના શબદ ઝંખે, ઊંઘટો ઉભો થાય.

સરીયદનો નર છે વંકો, મીરખાં! તારો દેશમાં ડંકો.

જશનપુરા ગામે રહેઠાણ કીધું, ગુડ્યા કણબી હજાર :

ફોજુંએ જ્યારે હલ્લો કર્યો તઈં. ધસ્યો તાણી તલવાર,

સરીયદનો નર છે બંકો, મીરખાં! તારો દેશમાં ડંકો.

નામ તારૂં નવખંડે મીરખાં ચાંદા સુરજની સાખ.

બહારવટાની બહાદુરી કેરી લાજ વિશ્વંભર રાખ.

સરીયદનો નર છે બંકો, મીરખાં! તારો દેશમાં ડંકો.

રસપ્રદ તથ્યો

[સૌરાષ્ટ્રની સરખામણીમાં, ગુજરાતમાં નાની ઠકરાતો ઓછી હોવાથી બહારવટાની વાતો બહુ ઓછી બનતી. ઉત્તર ગુજરાતમાં ત્રણ રાજસત્તાના ત્રિભેટા આગળ મીરખાંનું બહારવટું છે કે સને 1920થી 1924 સુધી ચાલ્યુ તેને બીરદાવતો આ રાસડો ઇતિહાસે સર્જ્યો છે.]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963