miran - Lokgeeto | RekhtaGujarati

મીરાં

miran

મીરાં

હાં રે મીરાંબાઈ, પહેલું બેડું તમે રણઝણતું લાવીઆં;

હાં રે મીરાંબાઈ, બીજે તે લાગી તમને વાર,

હાં રે દિયરિયા, પાળે તે ઉભો રે સાધુજનનો સંગ;

તાળી તો લાગી રે હરિના નામની.

હાં રે મીરાંબાઈ, આપું આપું તમને ઉદિયાપુરનાં રાજ;

વળી આપું રે સિંહાસન બેસણાં.

હાં રે મીરાંબાઈ, આપું આપું રે તમને સોળે ને શણગાર;

તુળસીની માળા તમને નઈ શોભશે.

હાં રે દિયરિયા, ચાખ્યાં’તાં રે ઉદિયાપુરનાં રાજ;

તુલસીની માળા અમને બહુ શોભશે.

હાં રે મીરાંબાઈ, કાશીની વાટે રે, કાબા લોક લુંટશે,

હાં રે દિયરિયા કાબા લોકો તો મારા ભાઈ ને બાપ;

લુંટીને લુગડાં રે મને આપશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 225)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968