walam tari lemboli - Lokgeeto | RekhtaGujarati

વાલમ તારી લેંબોળી

walam tari lemboli

વાલમ તારી લેંબોળી

લેંબડે ઝાઝી લેંબોળી રે,

વડલે ઝાઝા ટેટા

વાલમ તારી લેંબોળી રે.

સાસુનાં ખેતર ખેડિયાં,

મેંયે ખેડી મારી પાટો વાલમ.

સાસુએ વાવ્યા કોદરા,

મેંયે વાવી કમોદ વાલમ.

સાસુના કોદરા ઊગિયા,

મારે ઊગી કમોદ વાલમ.

સાસુના કોદરા નેંદિયા,

મેંયે નેંદી કમોદ વાલમ.

સાસુના કોદરા પાકિયા,

મારે પાકી કમોદ વાલમ.

સાસુના કોદરા વાઢિયા,

મેંયે વાઢી કમોદ વાલમ.

સાસુના કોદરા મસળ્યા,

મેંયે ઝૂડી કમોદ વાલમ.

સાસુના કોદરા ગાલ્લે ગયા,

મારે ગઈ કમોદ વાલમ.

સાસુને પરોણા આવિયા,

મારે આવ્યા મારા વીરા વાલમ.

સાસુએ કોદરા ભૈડિયા,

મેંયે ખાંડી કમોદ વાલમ.

સાસુએ રાંધી કોદરી,

મેંયે રાંધ્યા કમોદ વાલમ.

સાસુના પરોણા ઊઠિયા,

મારે ઊઠ્યા મારા વીર વાલમ.

સાસુએ પીરસ્યાં ડોળિયાં,

મેં પીરસ્યાં ગવરી ઘી વાલમ.

સાસુના પરોણા જમી ઊઠ્યા,

મારે ઊઠ્યા મારા વીર વાલમ.

સાસુએ પરોણા વળાવિયા,

મારે ગયા મારા વીર વાલમ.

સાસુને વહુ બેલડી પડ્યાં

સાસુએ ઝાલ્યું સાંબેલું,

મેં તો ઝાલી બેવડ રાશ વાલમ.

સાસુનું સાંબેલું ભાંગી ગયું,

મારે પહોંચી બેવડ રાશ વાલમ.

રસપ્રદ તથ્યો

(અસારવા રણછોડપુરાની વાઘરી સમુદાયની બહેનોએ આ ગીત આપ્યું છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959