rang lagyo - Lokgeeto | RekhtaGujarati

રંગ લાગ્યો

rang lagyo

રંગ લાગ્યો

રંગ લાગ્યો, ચૂંદડીએ રંગ લાગ્યો,

હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.

મારી ચૂંદડીના ચટકા ચાર ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં બેસણ દઈશ ચૂંદડીએ.

એમને સાંગામાંચી હીરે ભરી

ચૂંદડી લાલગુલાલ ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં દાતણ દઈશ ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં ઝીલણ દઈશ ચૂંદડીએ.

એમને તાંબા તે કૂંડીઓ જળે ભરી

એમને હીરકોરી ધોતિયાં દઈશ ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં ભોજન દઈશ ચૂંદડીએ.

એમને સેવ સુંવાળી લાવસી

એમને ખોબલે પીરસી ખાંડ ચૂંદડીએ.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં મુખવાસ દઈશ ચૂંદડીએ.

એમને લવિંગ સોપારી એલચી

એમને બીડલે બાસઠ પાન ચૂંદડીએ.

રસપ્રદ તથ્યો

(રખિયાલ બત્રીસપુરાની બહેનોએ આપેલો ગરબો.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959