golo rano - Lokgeeto | RekhtaGujarati

ગોલો રાણો

golo rano

ગોલો રાણો

ઓતર દખણ રે ચઢી ઝેણી વાદળી

ઝરમર વરસે મેહ મારા વ્હાલા.

ખેતરનો ખેડનાર ગોલો રાણો એકલો રે,

અમે ખેડીશું, અમે બે બૂનો રે.

ડાંગરોનો વાવનાર ગોલો રાણો એકલો રે,

અમે વાવીશું અમે બે બૂનો રે.

ડાંગરનો વાઢનાર ગોલો રાણો એકલો રે,

અમે વાઢીશું અમે બે બૂનો રે.

ડાંગરો લેવડાવનાર ગોલો રાણો એકલો રે,

અમે લઈશું, અમે બે બૂનો રે.

ડાંગરનો ખાંડનાર ગોલો રાણો એકલો રે,

અમે ખાંડીશું, અમે બે બૂનો રે.

ખીચડાનો ખાંડનાર ગોલો રાણો એકલો રે,

અમે ખાંડીશું, અમે બે બૂનો રે.

ખીચડાનો રાંધનાર ગોલો રાણો એકલો રે,

અમે રાંધીશું, અમે બે બૂનો રે.

ખીચડાનો જમનાર ગોલો રાણો એકલો રે,

અમે જમીશું, અમે બે બૂનો રે.

રસપ્રદ તથ્યો

(અસારવામાં આવેલા રણછોડપુરાની વાઘરી સમુદાયની બહેનોએ આ ગીત ગાયું હતું. આ ગીત ગરબે ફરતાં ગવાય તેની સાથે વિશિષ્ટ ક્રિયા અને અભિનય રહેલાં છે. એક બહેન સૂપડામાં ચણા લે. બીજીના હાથમાં સાંબેલું હોય, વળી ત્રીજીના હાથમાં સૂપડામાં ચણા ને ચોથીના હાથમાં સાંબેલું. એમ ગોઠવણી થાય. વચ્ચે ઢોલી હોય. પછી ગીત ઊપડે. ગરબે ફરતે ફરતે સૂપડાવાળી બહેન ઝાટકતી જાય, સાંબેલાવાળી ખાંડતી જાય. એ બન્ને અવાજ ગાનારીના ઠેકાની સાથે તાલ પુરાવે. આમ હોઈ અમે એને ‘સૂપડા-સાંબેલા’ના ગીત તરીકે ઓળખ્યું ને ઓળખાવ્યું છે. આ શ્રમજીવીનું ગીત છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959