wawni lokaktha - Lokgeeto | RekhtaGujarati

વાવની લોકકથા

wawni lokaktha

વાવની લોકકથા

બાર બાર વરસોનાં વાણલાં રે વાયાં

કે નણદલ આવ્યાં પરોણાં જી રે.

ઊઠો રે વહુવારુ ડાંગેરો ખાંડો

કે નણદલ આવ્યાં પરોણાં જી રે.

તમારે ભાઈએ ડાંગેરો નથી પકવીઓ,

કે કાંથી ડાંગર ખાંડીએ જી રે.

ઊઠો રે વહુવારુ ખીચડીઓ રાંધો

કે નણદલ આવ્યાં પરોણાં જી રે.

ઊઠો રે વહુવારુ ભાંણેલાં રે પીરસો

કે નણદલ આવ્યાં પરોણાં જી રે.

ઊઠો રે વહુવારુ ઘીયેલાં તાવો,

કે નણદલ આવ્યાં પરોણાં રે.

સાસુ ને સસરો બે જમવા રે બેઠાં,

કે વહુ પાણીલાં ચાલ્યાં જી રે.

સાસુ ને સસરો બે જમીને ઊઠ્યાં રે

કે તોયે લાવ્યાં વહુ પાણી જી રે.

સોળસેં પનિયારીઓ ટોળે રે વળીઓ

કે હાથપગ ધોતાં વાર લાગી જી રે.

તમે રે સસરા! ઝાઝલા વેવારિયા,

કે ઝાંપે વાવડી ખોદાવો જી રે.

મારી રે મયિરેના જોષીડા તેડાવું,

ટીપડલાં જોવડાવું જી રે.

જો જો રે ‘લ્યા જોષી, સારાં ટીપડાં,

કયે જગે વાવડી ખોદાવું જી રે.

બાર બાર વરસોનાં વાણલાં વાયાં,

તોયે આવ્યું નીર પાણી જી રે.

હાથોમાં નારિયેળી ખોળામાં કુકાવટી,

વહુ વાવડી વધાવવા ચાલ્યાં જી રે.

વાવડી રે વધાવીને પાછાં રે વળીયાં ને,

પોસો પ્રમાણે નીર આવ્યાં જી રે.

પાછા વળોને ઘેર જઈએ હો પરણ્યા!

પોસો સમાન નીર આવ્યાં જી રે.

એકે રે પગથિયે ને બીજી પગથિયે,

પોસો સમાન નીર આવ્યાં જી રે.

વાવડી વધાવીને પાછાં રે વળિયાં ને,

ઘૂંટણ સમાં નીર આવ્યાં જી રે.

પાછાં વળોને ઘેર જઈએ હો પરણ્યા,

ઘૂંટણ સમાં નીર આવ્યાં જી રે.

ત્રીજે પગથિયે ને ચોથે પગથિયે,

વાવડી વધાવવા ચાલ્યાં જી રે.

વાવડી વધાવીને પાછાં રે વળિયાં ને,

કેડો સમાં નીર આવ્યાં જી રે.

પાછા વળોને ઘેર જઈએ હો પરણ્યા,

કેડો સમાં નીર આવ્યાં જી રે.

ચોથે પગથિયે ને પાંચમે પગથિયે,

વાવડી વધાવવા ચાલ્યાં જી રે.

વાવડી વધાવીને પાછાં રે વળિયાં ને,

છાતી સમાં નીર આવ્યાં જી રે.

પાછા વળોને ઘેર જઈએ હો પરણ્યા!

છાતી સમાં નીર આવ્યાં જી રે.

પાછા વળોને ઘેર જઈએ હો પરણ્યા!

છાતી સમાં નીર આવ્યાં જી રે.

પાંચમે પગથિયે ને છઠ્ઠે પગથિયે

વાવડી વધાવવા ચાલ્યાં જી રે.

વાવડી વધાવીને પાછાં રે વળિયાં ને

ગળા સમાં નીર આવ્યાં જી રે.

પાછા વળોને ઘેર જઈએ હો પરણ્યા!

ગળા સમાં નીર આવ્યાં જી રે.

છઠ્ઠે પગથિયે ને સાતમે પગથિયે

વાવડી વધાવવા ચાલ્યાં જી રે.

વાવડી વધાવીને પાછાં રે વળિયાં ને,

માથા સમાં નીર આવ્યાં જી રે.

પાછા વળોને ઘેર જઈએ હો પરણ્યા!

માથા સમાં નીર આવ્યાં જી રે.

ધનજી ભગતડો ને મનજી માંડળિયો,

એનું જજો નખ્ખોદ!

દીચરો-વહુવારુ ભોગ આપ્યો જી રે!

બારસેં ડોબરાં ને તેરસે ઢોરુલાં,

તેનો નું ભોગ આપ્યો નીર-પાણી જી રે!

દીચરો-વહુવારુ ભોગ આપ્યો જી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957