riDhun rach nanghun - Lokgeeto | RekhtaGujarati

રીઢું રાચ નાંઘું

riDhun rach nanghun

રીઢું રાચ નાંઘું

ઓત્તર દેશની દીકરી રે જૈલમી,

ડાકોરમેં પઈણાવી જી રે.

પઈણાવી પસ્તાવીને સાસરે વળાવી,

સાસુએ રાંધણામેં ઘાલી જી રે.

નાના દિયેરને ટાઢાં કરતાં,

હાથમેંથી ઢાંકણી વછૂટી જી રે.

શું રાંધે દૂબળા પિયેરની,

મૂએલા મોસાળની, મોટા ઘરનાં રાંધણાં જી રે.

પાળે રે બેઠાં પંખીડું!

મારી મૈયરિયે સંભળાવો જી રે.

મારા દાદોને એમ કરી કી’જો,

તારી દીકરીનાં મેણલાં ભાંગો જી રે.

દાદાજી આઈવા ચઢી વેલડીએ,

નવસેં વે’લો લાઈવા જી રે.

લેવ રે વેવાણો! નવસેં વેલડીઓ,

મારી દીકરીનાં મેણલાં ભાંગો જી રે.

શું રે કરું તારી નવસેં વેલડીઓ,

મારું રીઢું રાચ નાંઈદું જી રે!

પાળે રે બેઠું પંખીડું!

મારી મૈયેરિયે સંભળાવો જી રે.

મારા વીરોને એમ કરી કી’જો,

તમારી બે’નીનાં મેણલાં ભાંગો જી રે.

વીરોજી આઈવા ચઢે ઘોડલિયે,

નવસેં ઘોડા લાઈવા જી રે.

લેવ રે વેવાણો! નવસેં ઘોડલિયા,

મારી બે’નીનાં મેણલાં ભાંગો જી રે.

શું રે કરું તારા નવસેં ઘોડા,

મારું રીઢું રાચ નાંઈદું જી રે.

પાળે રે બેઠાં પંખીડું!

મારી મૈયેરિયે સંભળાવો જી રે.

મારા કાકોને એમ કરી કી’જો,

તમારી ભતરીજનાં મેણલાં ભાંગો જી રે.

કાકોજી આઈવા ચઈઢે હાથીડે,

નવસેં હાથી લાઈવા જી રે.

લેવ રે વેવાણો! નવસેં હાથી,

મારી ભતરીજનાં મેણલાં ભાંગો જી રે.

શું રે કરું તારા નવસેં હાથી,

મારું રીઢું રાચ નાંઈદું જી રે!

પાળે રે બેઠું પંખીડું!

મારે મૈયરિયે સંભળાવો જી રે.

મારા માંમાને એમ કરી કી’જો,

તમારી ભાંણેજનાં મેણલાં ભાંગો જી રે.

માંમાજી આઈવા ચઈઢે માફલિયે,

નવસેં માફા લાઈવા જી રે.

લેવ રે વેવાણો નવસેં માફા,

મારી ભાંણેજનાં મેણલાં ભાંગો જી રે.

શું રે કરું તારા નવસેં માફા,

મારું રીઢું રાચ નાંઈદું જી રે.

પાળે રે બેઠું પંખીડું!

મારે મૈયેરિયે સંભળાવો જી રે.

મારા બનેવીને એમ કરી કી’જો,

તારી સાળીનાં મેણલાં ભાંગો જી રે.

બનેવી આઈવો ચઈઢે ગધેડે,

નવસેં ઢાંકણાં લાઈવો જી રે! !

લેવ રે વેવાણો! નવસેં ઢાંકણાં,

મારી સાળીનાં મેણલાં ભાંગો જી રે.

શું રે કરું તારાં નવસેં ઢાંકણાં,

મારું રીઢું રાચ નાઈદું જી રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957