kapninun geet - Lokgeeto | RekhtaGujarati

કાપણીનું ગીત

kapninun geet

કાપણીનું ગીત

ખરા મોરાનું દાતેડું ને, ઘાસ વારવા જ્યાં તાં

બાર બીડાંનો ઘાસ વાઢીયો ને, બાર બંધે બાંધીયોજી રે.

ઉગળી વળીને ભારો લીધો ને, નવ ગજ ધરતી ડોલીજી રે,

ઘેર આવીને ભારો નાખ્યો ને, નવ ગજ ધરતી ધમકીજી રે.

કાછડો વાળીને કોઠીમાં ઉતરી ને, આરો ચોખા કાઢ્યાજી રે,

આરો ચોખાનો ખીચડો રાંધીયો ને, લઈ પરસારે બેઠીજી રે.

એટલું ખઈને મેડીએ ચઢી, તોય ભૂખે ભમ્મરીયાં આઈવાજી રે,

કાછડો વાળીને કોઠીમાં ઉતરીને, આરો જાર કાઢીજી રે.

આરો રે જારની ધાંણી ફોડીને, લઈ રેંટિયો કાંતવા બેઠીજી રે,

તરાગડે તરાગડે ફાકો માળ્યો ને, પૂણીએ પાલી ખાદીજી રે.

એટલું ખઈને મેડીએ ચઢી, તોય ભૂખે ભમ્મરીયાં આઈવાજી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964