anan 2 - Lokgeeto | RekhtaGujarati

આણાં - ૨

anan 2

આણાં - ૨

વનવગડોમાં ખમકે ઘૂઘરમાળ,

લાડકી! દિયર આણલે આવિયા રે.

દાદા રે મોરા! ઢોલિયા ના ઢાળ,

આવ્યાં આણાં પાછાં વાળજો રે.

દીકરી રે મોરાં! ઘેલડિયું સું બોલ?

આવ્યાં આળાં પાછાં નહિ વળે રે.

માડી રે મોરાં! ખીચડિયાં ના રાંધ,

આવ્યાં આણાં પાછાં વાળજો રે....દીકરી રે.

વનવગડોમાં ખમકે ઘૂઘૂરમાળ,

લાકડી! જેઠ આણલે આવિયારે

વીરા રે મોરા! ઢોલિયા ના ઢાળ, આવ્યાં....દીકરી રે.

ભાભી રે મોરી! રોટલા ના ઘડ, આવ્યાં.

નણંદી મોરાં! ઘેલડિયાં ના બોલ, આવ્યાં.

વનવગડોમાં ખમકે ઘૂઘૂરમાળ,

લાડકી! પરણ્યો આણલે આવિયા રે.

માડી રે મોરી! કંસારિયા તું રાંધ,

રમકે ને ઝમકે સાસરે ચાલશું રે!

બે’ની રે મોરાં! વળાવવા તું ચાલ.

રમકે ને ઝમકે સાસરે ચાલિયાં રે!!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957