mare karme kajoDun bahen! - Lokgeeto | RekhtaGujarati

મારે કરમે કજોડું બહેન!

mare karme kajoDun bahen!

મારે કરમે કજોડું બહેન!

મારે કરમે કજોડું બહેન! વાત કોને કરું?

મારું હૈયું દાઝી ઊઠે બહેન! વાત કોને કરું?

ત્રીજવરની પરણી હું કુંવારી જેવી મહાલું,

સ્વામી થઈ બેઠેલા વરની, સેવાનું બ્રત પાળું;

મારે કરમે કજોડું બહેન! વાત કોને કરું?

સ્વામી મારો જુવાન ફુટડો, પણ બુદ્ધિનો બાઘો,

વાત કરું હું અલક મલકની, ત્યારે ભાગી ઊભે આઘો;

મારે કરમે કજોડું બહેન! વાત કોને કરું?

પરણ્યો મારો ડહાપણ વાળો, બહાર બહુ પંકાતો,

મિજાજ ખોઈને ઘરમાં આવે, વહુને મારે લાતો;

મારે કરમે કજોડું બહેન! વાત કોને કરું?

રાગ નહિ ને રંગ નહિ, ઉલ્લાસ હસવું ભાળું,

હુલાસી હું એવા વર સાથે સુકું જીવન ગાળું;

મારે કરમે કજોડું બહેન! વાત કોને કરું?

નાટક, ચેટક, જુગાર, સટ્ટો એનો રસરંગી,

જાણું નહિ કે ક્યાં ફરે એ, કોનો કોનો સંગી?

મારે કરમે કજોડું બહેન? વાત કોને કરું?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968