mandir pachhwaDe rana odhawji - Lokgeeto | RekhtaGujarati

મંદિર પછવાડે રાણા ઓધવજી

mandir pachhwaDe rana odhawji

મંદિર પછવાડે રાણા ઓધવજી

મંદિર પછવાડે રાણા ઓધવજી મોહન મોરલીવાળો!

રી મોરલીએ મારાં મન હરી લીધાં મોરલીએ મનવાળો જી રે!

હલ્લાર શહેરનાં હીરા મંગાવો તેની મને ટીલડી ઘડાવો જી રે!

વાદળ શહેરના વારા મંગાવો તેની મને ટીલડી ઘડાવો જી રે!

કીયો સોની ઘડશે, કીયો સોની જડશે, કીયો સોની પરોવશે જી રે!

રામ ઘડશે, લછમણ જડશે, પરશોતમ પરોવશે જી રે!

કીયાં બેસી ઘડશે, કીયાં બેસી જડશે, કીયાં બેસી પરોવશે જી રે!

ઓરડે બેસી ઘડશે, ઓસરી બેસી જડશે, પરેશાળે બેસી પરોવશે જી રે!

ટીલડી ચોડી રાધા મંદિર પધાર્યાં, સાસુને પાય લાગ્યા જી રે!

સાસુડીએ મોં મચકોડયા, જઈ મોલું ઊભા જી રે!

ટીલડી ચોડી રાધા મંદિર પધાર્યાં, જેઠાણીને પાય લાગ્યા જી રે!

જેઠાણીએ આશિષ દીધા લાવ્યા બળજો જી રે!

લાવ્યા એવા બળજો વવહારુ તાર્યા એવા તરજો જી રે!

હું તો સૂતી મારા સેજ પલંગમાં તોય નીંદર નો આવે જી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964