ramde thakor ane thakralanna barmas - Lokgeeto | RekhtaGujarati

રામદે ઠાકોર અને ઠકરાળાંના બારમાસ

ramde thakor ane thakralanna barmas

રામદે ઠાકોર અને ઠકરાળાંના બારમાસ

કાર્તકે નહીં દઉં ચાલવા, કામની કહે કરજોડ,

અબળા મન ઊલટ ઘણી, ઊઠી આળસ મોડ.

કાર્તકે નહીં દઉં ચાલવા, શીળા થયા પરદેશ;

પિયુ પ્રસ્થાને જઈ રહ્યા, અબળા બાળવેશ.

ચિત્તમાં ચોળો લાગિયો, તરવર પાક્યાં તીર,

રાતે ઠાકર ચાલિયા, નયણે ઢળિયાં નીર.

કાર્તક મહિને ચાલશું, અબળા મેહેલો વાદ;

સાથીડા સોંઢાડશું, ચાલશું અમે પ્રભાત.

કાર્તક માસે ચાલશું, કેમ કરો કલ્પાંત?

કાલ પાછા ઘર આવશું, હૈડે હરખ ધરંત,

કુંકમના કરી ચાંદલા સૈયર વધાવા જાય;

હેતે પ્રીતે આવજો, ખેમ કુશળ ઘરમાંય.

માગશરે નહીં દઉં ચાલવા, અબળા બાળેવેશ;

વ્રેહ તે વાર્યું ના કરે, પિય! કાં ચાલો પરદેશ?

માગશર માસે અમે ચાલશું, અબળા દ્યો આશિષ;

શુભ શકુન જોવરાવશું, તમે હૃદે ધરશો રીસ.

પોષ માસની પ્રીતડી, ટાઢ તે કેમ ખમાય?

અબળા ઝૂરે એકલી, રાતલડી નવ જાય.

આઘે ઓરડે પોઢતા, નથી ચાલ્યાનો મોખ;

રતે નહીં દઉં ચાલવા, ઘેર ગાળો મહિનો પોષ.

પોષ માસે અમે ચાલશું, તાણી ભીડ્યા તંગ;

અબળા મન આરત ઘણી, પિયુ મળવા ઉછરંગ.

પોષે પ્રીત વીસરિયે, સુખે કરિયે પરિયાણ;

ચિત્ત ચોળો નવ ઘાલિયે, તમે માનો તેની આણ.

માહ માસે નહીં દઉં ચાલવા, તમે તરુણીનાં તેજ;

ભમરાભોગી સા’યબા, રંગભર રમશું સે’જ.

(કામિની કહે) હું કેમ રહું એવો માહ એક માસ?

પિયુ સંગાથે પ્રીતડી, રંગભીના રહ્યા અવાસ,

જીવશે તે તો જાણશે, જોબન થશે વિનાશ;

રત ઠાકોર ચાલિયા, રાત થઈ ખટમાસ.

માહ માસે અમે ચાલશું, મેગળ બાંધ્યા બહાર;

ઊટે આથર ભીડિયા, કામની સજે શણગાર.

સખિયો સહુ આવી મળી, લાવી ચોસર હાર;

તિલક કરી પહેરાવતી, હૈયે હરખ અપાર.

ફાગણે નહીં દઉં ચાલવા, કામની કહે સુણ કંત;

અબીલગુલાલ ઉડાડશું, રમશું માસ વસન્ત.

ફાગણ માસ ફરુકિયો, કેસુ કરે કલ્લોલ;

જેમ જેમ વા વન સાંભરે, તેમ નેણાં કુમકુમ લોળ.

જળવટ ગયા કેમ વીસરે? તરવર પોહોચ્યા કંત;

રત ઠાકર ચાલિયા, સૂની રહી વસન્ત.

ફાગણ ફાગે ખેલતી, આવી ગોરાંદે પાસ;

કેસર ઘોળી કળસ ભરી, સાત સાહેલી સાથ.

ચૈતરે નહીં દઉં ચાલવા, ધૂપ પડે લૂ વાય;

ડમરા મરવા કેતકી, કામિની કંઠ સુહાય.

ચૈતર માસની છાંચડી, ચંપક મોહોરી જાય;

ચૂવા ચંદન અરગજા, અંગ તેલ સોહાય.

ચૈતર ચમક્યો મોરલો, મોહોર્યાં દાડમ દ્રાખ;

આંબે સૂડા ચગમગે, કોયલ શરુવે સાદ.

લાખ લઈને સાટવો, એટલી મુજને હાણ;

ટચલી આંગળીની મુદ્રિકા, મળી આવે ગોરાંદે બ્હાંય!

ચૈતર માસે ચાલશું, પાદર મોરી માય;

અબળા મન આરત ઘણી, મન ઘર રહ્યું સુહાય.

ચૈયર માસે ચિંતા તજો, કાં રૂઓ આંસુધાર,

સાથી જુવે છે વાટડી, હઠ મૂકો પ્રાણધાર.

વૈશાખે વન મ્હોરિયાં, મ્હોરી દાડમ દ્રાખ;

વન સુડલા ચગમગે, કોયલ મધુરા રાગ.

વૈશાખે વન મ્હોરિયાં, મ્હોર્યાં દાડમ દ્રાખ,

મ્હોરી તે મરવા કેતકી, મ્હોરી તે આંબે સાખ.

કોયલડી કલવલ કરે, વનમાં તે અતિ ભીડ;

રત ઠાકર ચાલિયા, હૈડે જોબન પીડ.

વૈશાખ માસે ચાલશું, સળેખાનાં કાઢ્યાં બહાર;

ઘોડે જીન માંડિયાં, હૈયાં અનઝો એક વાર.

જેઠ માસનાં જળ ભલાં, ભલાં તે આંબા વન;

ભલી તે સાજનગોઠડી, ભલાં તે ફોફળ પર્ણ.

ધૂપ પડે ને તન તપે, જાલમ મહિનો જેઠ;

રતે કેમ ચાલશો? ગોરી ઊભી છજાં હેઠ.

આગે પંડિત ભાખતા જોશી તે જોતા જોષ;

ના’વલો તમારો આવશે, કદી ધરશો રોષ.

જેઠ મહિને ચાલશું, આંબે પાકી સાખ;

અનેક ફળે તે ફાલશે, મીઠાં દાડમ ને દ્રાખ.

અશાડ માસ ભલ આવિયો, ગરવા વરસે મેહ;

બપૈયા પિયુ પિયુ કરે, ને કાયર કંપે દેહ.

ઝરણ ઝરે ને તન તપે, વીજ કરે ચમકાર;

રતમાં કેમ ચાલશો? પિયુ આવ્યો આષાઢ.

એક અંધારી ઓરડી, દૂજો વીજ ચમકાર;

એટલાં વાનાં તો ભલાં, જો સે’જે ભરતાર.

અશાડ માસે તે ચાલશું, ગાજે વીજ ઘનઘોર;

બપૈયા પિયુ પિયુ કરે, મીઠા બોલે મોર,

શ્રાવણે નહીં દઉં ચાલવા, ભીંજે તંબુ દોર;

ડુંગર તંબુ તાણિયા, ઝીણા ટહુકે મોર.

શ્રાવણ માસની સુન્દરી, ઊભી સરવર પાળ;

વેણ રાખડી સમારતી, મોતી ઝાકઝમાળ.

લીલવટ ટીલડી શોભતી, કંઠ એકાવલ હાર;

સોળ વરસની સુન્દરી, જુવે નાવલિયા વાટ

ડુંગરિયા દસ આંગમાં, મારગ વસમો વાટ;

ગોખે ઊભી ગોરડી, જુવે વહાલાની વાટ.

શ્રાવણ માસે ચાલશું, નવી આવી છે શાળ;

ઇશ્વર પાર ઉતારશે, ઘેર આવીશું કાલ.

ઘન ગાજે અમૃત ઝરે, પિયુ મળવાની આશ;

રતે કેમ ચાલશો? અબળા મન ઉદાસ.

ભાદરવો ભર્તા વિના, દોહલા દિવસ જાય;

દહીં ને દૂધ અતિ ઘણાં, તેના સ્વાદ મનમાંય.

સખર અંબર છાયલો, ગરુવા વરસે મેહ;

રત ઠાકર ચાલિયા, દુ:ખે દાઝે દેહ.

ભાદરવે અમે ચાલીશું, જોશીએ જોયા જોષ;

પારકા પટા લખાવિયા, હૃદે ધરશો રોષ.

આસો નહીં દઉં ચાલવા, નવ દહાડા નવ રાત;

દશમે દસરા પૂજશું, કાળી ચૌદશની રાત.

આસો માસ દિવાળીનાં, ઘરઘર મંગળ થાય;

ઊઠો સૈયર સુલક્ષણી, આભરણ પહેરો કાય.

આંગણ વાવું એલચી, તોરણ નાગરવેલ;

બાર માસે ઠાકર ના’વિયા, મને મહિયર વાળી મેલ.

રજપૂતોનાં બેટડાં, જુવે વહાલાંની વાટ;

મનાવિયાં માને નહિ, ઠકરાળાંની જાત.

ચિત્ત ચૂરમું, મન લાપશી, ઉપર ઘીની ધાર;

કોળિયે કોળિયે પોખતી, દિવસમાં દસ વાર.

ઠાકોર ચાલ્યા ચાકરી, મને મૂકી નોધારી;

મુજ સમ રાજ! નહીં મળે, મળશે કોઈ ધુતારી.

ઠાકોર ચાલ્યા ચાકરી, કુપલાણે પલાણ;

સરવર ધોયાં ધોરિયાં, લાલ સુરંગ પાષાણ.

કંકણ વેચું રાજ! ઘર રહો, વેચું હૈયાનો હાર;

ઘેર બેઠાં મોજ માણશું, મુજ નોધારીના આધાર.

સૂરજદેવને પૂજતી, કરતી આદિતવાર;

બે ઘડી મોડા ઊગજો, પિય મુજ ચાલનહાર;

કુંજડીઓ ટોળે મળી, જાયે દશ ને વીશ;

પરણ્યો જેનો ઘર નહીં, તેની ગોરી જંપે ઈશ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 348)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957