mahina - Lokgeeto | RekhtaGujarati

મહિના

mahina

મહિના

કારતક મહિને કા’ન ચાલ્યા કાશી રે, વા’લાજી રે,

અમને રે મેલી ગ્યા છે વનવાસી, મારા વા’લાજી રે.

માગશર મહિને મંદિર ખાવા ધાય રે, વા’લાજી રે,

એકલડી અબળાના દિ’ કેમ જાય? મારા વા’લાજી રે.

પોષ મહિને પડિયા મુજને શોષ રે, વા’લાજી રે,

તેડાવો જોષીડા જોવે જોષ, મારા વા’લાજી રે.

ભાઈ જોષીડા જોને મારા જોષ રે, વા’લાજી રે,

જેવું રે હોય તેવનું મુજને કૈશ? મારા વા’લાજી રે.

મા મહિનાની ટાઢ્યું મુજને વાય રે, વા’લાજી રે,

હાલ્યો રે હેમાળો કેમ રે’વાય રે, મારા વા’લાજી રે.

ફાગણ મહિને રંગ ગલાલી હોળી રે, વા’લાજી રે,

પરથમને પાડોશણ રંગમાં રોળી, મારા વા’લાજી રે.

ચૈતર મહિને ચાંપો મરવો રોપ્યો રે, વા’લાજી રે,

કુમળિયો હતો ને કુંપળ મેલી, મારા વા’લાજી રે.

બૈશાખ મહિને વાડિયું બાઢિયું જાય રે, વા’લાજી રે,

રખોપા વિનાનાં પંખી ખાય, મારા વા’લાજી રે.

જેઠ મહિને ઊતરી તમારી વેઠ રે, વા’લાજી રે,

ગોરીનો પરણ્યો ગ્યો છે દરિયા બેટ, મારા વા’લાજી રે.

બેટ જઈને પરમંદિરમાં વાસ રે, વા’લાજી રે,

પરનારીને હૈયે એનો હાથ, મારા વા’લાજી રે.

પરનારીને પ્રીતુમાં છે પાપ રે, વા’લાજી રે,

પરનારીનાં છોરૂં નહીં કયે બાપ, મારા વા’લાજી રે.

મેં જાણ્યું કે ઊજળું એટલું દૂઘ રે, વા’લાજી રે,

જાતે ને જનમારે માંડ્યાં જુદ્ધ, મારા વા’લાજી રે,

મેં જાણ્યુંજી લીલા એટલા મગડા રે, વા’લાજી રે,

જાતે ને જનમારે માંડ્યા ઝગડા, મારા વા’લાજી રે,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968