kartak mahine abla kahe - Lokgeeto | RekhtaGujarati

કારતક મહિને અબળા કહે

kartak mahine abla kahe

કારતક મહિને અબળા કહે

કારતક મહિને અબળા કહે છે કંથને.

હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો,

હિમાળુ વા વાયો હલકી ટાઢમાં,

શું શોધો પરદેશ જવાનો સાથ જો!

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

માગશર મહિને હોંશ ઘણી મનમાં ભરી,

રસિયા રંગ રમ્યાની માજમ રાત જો,

ઘૂંઘટડો કાઢીને ઘર આગળ ફરું જો,

પિયુ મેલો પરદેશ જવાની વાત જો,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

પોષે જે અબળાને પિયુડે પરહરી,

તે નારીનાં પૂરણ મળિયાં પાપ જો,

સાસરીએ રહીને તે શાં સુખ ભોગવે,

મઈયરમાં નવ ગાંઠે મા ને બાપ જો,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

મહા મહિને નાથ કરીએ મુસાફરી,

ઘઉં સાટે જઈ શોધી લાવો જાર જો,

વહેંચીને જમશું રે મારા વા’લમા,

જરૂર નહિ જાવા દઉં ઘરની બહાર જો!

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

ફાગ રમે ફાગણમાં નર ને નારીઓ,

ઘેર ઘેર નૌતમ કૌતક નવલાં થાય જો,

જે નારીનો નાવલિયો નાસી ગયો જો,

કહો તેણે કેમ નજરે જોયું જાય જો!

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

ચઈતરમાં ચતુરને પંથ ચાલવું,

જે ઘેર નારી ચતુરસુજાણ જો,

વ્હાલપણે વચને નાથને વશ કરે,

નિરધાર્યું તે પડ્યું રહે પરિયાણ જો!

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

વાવલિયા વાયા રે પિયુ વઈશાખાના,

રજ ઊડીને મારું માણેક મેલું થાય જો,

નથનીનું મોતી રે હીરો હારનો,

કહો પર હાથે તે ક્યમ ધીર્યાં જાય જો!

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

જેઠે તો પરદેશ જાવું દોહ્યલું,

ધોમ ધખે ને લાય જેવી લૂ વાય જો,

કોમળ છે કાયા રે મારા કંથની,

વણ ખીલ્યાં જ્યમ ફુલડિયાં કરમાય જો!

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

અંબર ઘન છાયો રે માસ અષાઢમાં,

મોર બોલે ને મેહ વરસે મુશળધાર જો,

કચરો ને કાદવ રે મચી છે મેદની,

પંખી માળા ઘાલે ઠારોઠાર રે,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

શ્રાવણમાં શિવ પ્રભુને મુખથી માંગીએ,

વાલાનો ના થાજો કદી વિજોગ જો,

ઉમિયાના સ્વામીજી આપે એટલું,

સાસુના જાયાનો નિત સંજોગ જો,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

ભાદરવો ભરજોબનનો ફરી નહિ મળે મેળ,

વહી જાશે જેમ નદીઓ કેરાં નીર જો,

એવા રે દિવસ એળે નવ કાઢીએ,

વળી વિચારી જુઓ નણંદના વીર જો,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

આસોના દિવસ તો અતિ રળિયામણા,

ખાવું પીવું કરવા નવલા ખેલ જો,

ભેળાં બેસી જમીએ રમીએ સોગઠે,

છાતીમાં ભીડીને રાખું છેલ જો,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

માસ અધિકમાં અધિકપણું શું કીજીએ,

રહો જોડીને નેણ સંગાથે નેણ જો,

જેમ થાયે આખો કાચ બિલોરનો,

તેમ રહીએ આપ વિણ નાથ જો,

મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 343)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957