mahina - Lokgeeto | RekhtaGujarati

મહિના

mahina

મહિના

કારતક મહિનેનો કાનજી રે,

મેલી ચાઈલા પરદેશ,

હું છું નારી અલબેલી!

માગશર મહિનેનો માવજી રે,

વઈસા પેલી હો તેડ,

કુંજર લાઈગાં રે હરિ ઝૂરવા!

પોષ મહિનેની પ્રીતડી રે,

પ્રીત તોડી શીદ જાવ,

આડો શીળો મારો વહી ગયો!

મહા મહિનેની સેજડી રે;

સેજ મારી વેરણ હો રાત,

સૂતાં નાવે જરી નિંદડી!

ફાગણ ફૂલ્યો રે હરિ ફૂલડે,

ફૂલ્યાં કેસરનાં ઝાડ,

માલણ લાવે રે હરિ મોગરો!

ચઈતરે રે ચંપો રોપિયો,

રોપી દાડમ દરાખ,

ફળ ફૂલની રે ધરું છાપલી!

વૈશાખે રે વન વેડિયાં,

વેડી આંબા હો ડાળ,

રસ ઘોળાયો હરિ વાડકે!

જેઠે જાણ્યું રે હરિ આવશે,

નહિ આવ્યા નણદીના વીર,

કોની સાથે રે હરિ જમશું?

અખ્ખાડ વરઈસો અંધારિયો,

વરઈસો ઝીણેરો મેઘ,

વીજલડી રે ચમકાર કરે!

શ્રાવણ વરઈસો સરોવરે,

નદીઓ જાયે ભરપૂર,

વાલો મારો કેમ ઊતરશે!

ભાદરવો રે ભર ગાજિયો,

ગાજિયો અગન ગગન,

વીજલડી રે ચમકાર કરે!

અશ્વાન માસે દિવાલડી,

સજની સોળે શણગાર,

અણવટ ટીલડી રે હરિ શોભતી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 330)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957