nandi jahojni - Lokgeeto | RekhtaGujarati

નણદી જહોજણી

nandi jahojni

નણદી જહોજણી

નણદી જહોજણી, કાગળિયાં મોકલે,

વીરા બંધાવિયા! એક વાર મળવા આવ જો;

એક વાર મળવા આવ જો નણદી જહોજણી.

બાર બાર વરસે વીરો કમાઈ ઘેર આવિયા,

વચમાં આવ્યો મોટી બેનીનો દેશ જો; નણદી જહોજણી.

આવતાં ને આવતાં બેને આદરભાવ દીધા,

બેસાડ્યા ઢોલિયાની માંય જો; નણદી જહોજણી.

વીરાની પાસે હતો માલ ઘણેરો,

બગડ્યાં મોટી બેનનાં મન જો; નણદી જહોજણી.

સૂપડું ભરીને બેને ઘઉંડા કાઢ્યા,

ઝીણા વીણ્યા ને મોટા ભરડ્યા જો; નણદી જહોજણી.

તેની તે રાંધી બેને તલધારી લાપશી,

અડધો ભેળવ્યો છે સોમલ ખાર જો; નણદી જહોજણી.

સૌને પીરસી બેને તલધારી લાપશી,

વીરને પીરસેલ સોમલ ખાર જો; નણદી જહોજણી,.

સૌ તો જમે છે કાંઈ તલધારી લાપશી,

વીરો જમે છે સોમલ ખાર જો; નણદી જહોજણી.

એક બે કોળિયે વીરનાં માથડાં રે દુખિયાં,

અડધી ખાધી ને લહેરો આવી જે; નણદી જહોજણી.

ઘરમાં ને ઘરમાં બેને ઘોર રે ખોદાવી,

માંય ભંડાર્યો માડીજાયો વીર જો; નણજી જહોજણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968