bhagirathi naun to bhaw tarun - Lokgeeto | RekhtaGujarati

ભાગીરથી નાઉં તો ભવ તરૂં

bhagirathi naun to bhaw tarun

ભાગીરથી નાઉં તો ભવ તરૂં

રામે સોનાના રથ જોડાવિયા રે, રામે પુણ્યનાં પૈડાં પહેરાવિયાં રે;

રામે ધરમના ધોરીડા જોડાવિયા રે, રામા, રાશ વિશ્વસરને હાથ રે;

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂં.

રામા, કાશીની વાટમાં ચાલતાં રે, રામા, ઝીણી ઝીણી ઊડે છે રજ રે;

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂં.

રામા, રજે ભરાય છે મારાં લૂગડાં રે, રામા, પાવન થાય છે મારો દેહ રે;

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂં.

રામા, કાશીના લોકને પૂછિયું રે, અહીંથી ગંગાજી કેટલે દૂર રે?

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂં.

રામા, ધરમીને મને છે ઢૂકડા રે, રામા, પાપીને પગલેથી દૂર રે;

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂં.

રામા, વિશ્વસરની માંડેલી હાટલી, રામા, પુણ્ય ને પાપ તોળાય રે;

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂં.

રામા, પુણ્યનું તાજવું ઉપડ્યું રે, રામા, પાપનું ગયું છે પાતાળ રે.

રામા, ભાગીરથી નાઉં તો ભવ તરૂ.

રસપ્રદ તથ્યો

બચપણમાં મારાં સ્વ. બેન ચંચળબેન પાસેથી સાંભળેલું ગીત

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968