bawanaparni bajariyun - Lokgeeto | RekhtaGujarati

બાવનપરની બાજરિયું

bawanaparni bajariyun

બાવનપરની બાજરિયું

બાજરિયે લહેરો લાગી રે, બાવનપરની બાજરિયું.

મારા ગામના સુથારી રે, વીરા તમને વેનવું;

મારી માંડવડી ઘડી આલો રે, બાવનપરની બાજરિયું.

મારા ગામનાં રંગારી રે, વીરા તમને વેનવું,

મારી માંડવડી રંગી આલો રે, બાવનપરના બાજરિયું.

મારા ગામના કુંભારી રે, વીરા તમને વેનવું,

મારી માંડવીએ કોડિયાં લાવો રે, બાવનપરની બાજરિયું.

મારા ગામના પીંજારી રે, વીરા તમને વેનવું,

મારી માંડવીની વાટો લાવો રે, બાવનપરની બાજરિયું.

મારા ગામના ઘંચીડાં રે, વીરા તમને વેનવું,

મારી માંડવીએ તેલ પૂરાવો રે, બાવનપરની બાજરિયું,

મારા ગામના મોટિયારડા રે, વીરા તમને વેનવું,

મારી માંડવડીએ ગાવા આવો રે, બાવનપરની બાજરિયું.

મારી ગામની વહુવારુ રે, ભાભીઓ તમને વેનવું,

મારી માંડવડી રમવા આવો રે, બાવનપરની બાજરિયું,

મારા ગામની સાહેલી રે, બેની તમને વેનવું,

મારી માંડવડીએ ગાવા આવો રે, બાવનપરની બાજરિયું.

મારા ગામના ઘઈડેલા રે, કાકા તમને વેનવું,

મારી માંડવડીનો રંગ જમાવો રે, બાવનપરની બાજરિયું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જેઠાલાલ ત્રિવેદી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968