sewak chalyo magi shikhji - Lokgeeto | RekhtaGujarati

સેવક ચાલ્યો માગી શીખજી

sewak chalyo magi shikhji

સેવક ચાલ્યો માગી શીખજી

સેવક ચાલ્યો માગી શીખજી :

મનમાં ધરશો કોઈની બ્હીકજી.

બ્હીક ના ધરશો મનમાં, જાજો અંત:પુર મોઝાર :

પ્રાવરણ ગ્રહીને લાવજો, પ્રેમદા તે આણીવાર.

ભડ થઈ સુભટ સંચર્યો, પોહોંચ્યો પાંચાલી દ્વાર :

પર પુરુષ દીઠો આવતો, નાહાઠી અંદર નાર.

દાસી ભણે, “ઓ રાવત! એમને છે ઋતુધર્મ :

એને અડકવા અધિકાર નથી, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રીયજન.”

સાંભળી વાણી, ને વળ્યો પાછો, બોલતો મુખ હીણ :

“એ દયાપણેથી શું નીપજે?, જા ભાઈ! દુઃશાસન:”

સાંભળી ક્ષિપ્ર કોપે ચડ્યો, કરડતો મુખ-દંત;

‘મારતો લાવું માનુની, દેખતાં એના કંથ.’

સુભટ થઈ ભડ સંચર્યો, પોહોંચ્યો પાંચાલી-દ્વાર

જમ સરખો દીઠો આવતો, નાહાશી અંદર પેઠી નાર.

દાસી ભણે, “ઓ રાવત!, અબળા કેમ લ્યો છો પરાણ?

રાણી છે રજસ્વલા, મુખથી બોલે વાણ.”

ચરણ-પ્રહારથી પડી દાસી, ગયો દુષ્ટ અંતઃપુરમાંય;

નારી હીંડે નાહાસતી, દુર્મતિ પૂંઠળ ધાય.

ધરણ પડી સતી ત્યાં તો, ધસીને સ્હાયા કેશ;

કેશ સ્હાયા કામિની, જોબન બાળે વેશ.

અસુરો ત્યાં મળ્યા ટોળે, જુવે સતીનું રૂપ પરમ;

શીશ ધૂણે ને સતી કહે, “મારા સ્વામી રાજા ધરમ.”

નથી વિદુર, ને નથી ભીષ્મ, નથી દ્રોણ ગુરુદેવ;

તે હોય તો આમ થવા નવ દે, નથી સ્વામી અવશ્યમેવ.

“સમર તાહારા હોય તેને, તાહારી કરે સંભાળ;

હશે તે હમણાં વન જશે, જે તાહરા ભરથાર.”

સમરણ કરતી સુંદરી, સમર્યા તે સારંગપાણ;

“સ્વામી! વેળાના તમો ધણી, ભક્તવત્સલ ભગવાન.

મુજ માત, ને મુજ તાત, તમે સ્વજન ને મોસાળ;

મહીઅર માહારું તું જ, માધવ! સાસરું સંભાળ.”

વલવલ કરતી વનિતા, આણી સભા મોઝાર :

નાથ દીઠા અનાથની પેરે, બેઠા અળગે ઠાર.

અસુર જોવા મળ્યા ટોળે, જુવે સતીનું રૂપ :

શીશ ઉઘાડું દેખીને, બળ આયુષ ઘટિયું ભૂપ.

“આવ ઓરી, ને બેશ ખોળે” [એમ બોલ્યો દુર્યોધન]

હશી હતી સહુ દેખતાં, તે દિન વીસરે કેમ?

અંધ કહેતી ધૃતરાષ્ટ્ર કેરા, પુત્ર દુર્યોધન :

હશી હતી સહુ દેખતાં, તો હાવાં જાશો વન!”

તુચ્છકાર કીધો કામિની,” શું મૂઢ! બોલ્યો અજાણ?

વડી ભોજાઈ તાહારે માને સ્થાનક, એમ વદે વેદ પુરાણ.

ખોળાતણો નથી ખરખરો, મનમાં જાણીશ મૂઢ!

ભીમતણી ગદા અહીં બેસશે, જ્યારે રૂઠશે ગરુડારૂઢ.”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964